ગાંધીનગરઃ અમદાવાદના એક બિલ્ડરનું અપહરણ કરી 1.5 કરોડ રૂપિયાની ખંડણી માગે તે પહેલાં 8 શખ્સોની ગેંગને એલસીબીએ ઝડપી પાડ્યા છે. દહેગામ અને દાસ્તાન સર્કલ પાસે કન્સ્ટ્રક્શનની મોટી સાઈટ ધરાવતા બિલ્ડરની રેકી કર્યા બાદ તેનું અપહરણ કરવાના ઈદારે આરોપીઓ ભેગા થયા હતા. એલસીબી-2 પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ પી. ડી. વાઘેલા તથા હેડકોન્સ્ટેબલ કેવલસિંહને ગાંધીનગરમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા જતી ગેંગ અંગે બાતમી મળી હતી. આરોપીઓ પાસે લોકલ સોર્સ પાસેથી માહિતી મેળવી માત્ર વેપારીઓને ટાર્ગેટ કરતા હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ લોકો પાસેથી ટાર્ગેટ કરનાર વ્યક્તિની તમામ માહિતી મેળવી લેતા હતાં, ત્યારબાદ પ્લાન બનાવવામાં આવતો હતો.
જેના આધારે પોલીસે ચિલોડા પાસેથી આરજે-14-વાયસી-2912 નંબરની કાર સાથે આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી 3 પીસ્ટલ, 12 કારતુસ, 3 છરા, 9 મોબાઈલ, 6 માસ્ક, 10 મોજા, 1 બુરખો, મરચાની બે પડીકી, 5 સેલોટેપ રોલ મળી કુલ 5.58 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. એલસીબી-2એ આઠેય આરોપી વિરૂદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં લૂંટનું કાવતરું તથા આર્મ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. રાજસ્થાન પોલીસ દ્રારા આ આરોપીઓ ઉપર ઇનામ પણ જાહેર કરવામા આવ્યુ છે.
બોક્સ: ઝડપાયેલા આરોપીઓ અને તેમનો ગુનાહીત ઈતિહાસ
-દોલારામ ઉર્ફે લલિત હીરારામ ચૌધરી (31 વર્ષ, બુસી, પાલી, હાલ રહે-ગોતા) રાજસ્થાનના ગુડાએંદલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો, પુનાના ભારતીય વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો, ચંદનનગર પોલીસ સ્ટેશનમાં જાહેર સંપતીને નુકસાનનો ગુનો, મછાર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુના સિવાય ચોરીના ચાર ગુનામાં પકડાઈ ચુક્યો છે. -આઝાદસિંહ લક્ષ્મણસિંહ રાજપુરોહિત (39 વર્ષ, કરાડી, મારવાડ) રાજસ્થાનના ગુડા એંદલા ખાતે હત્યા, એક રહીશને મારવાની ધમકી, શિવ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો, અનાદરા પોલીસ સ્ટેશન ખાતે લૂંટનો ગુનો, સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં લૂંટનું કાવતરું, જોધપુર સેન્ટ્રલ જેલમાં અન્ય કેદીઓ સાથે મારામારી જેવા ગુના નોંધાયા છે. -રાજુસિંહ ઉર્ફે બન્ના નગસિંહ દિપસિંહ પરમાર (21 વર્ષ, થાપન, બાડમેર) શિવાના પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો નોંધાયેલો છે. -સુરેશ તુલ્શારામ હરીરામજી રાજપુરોહિત (21 વર્ષ, બાલોતરા, બાડમેર) જોધપુર ખાતે વાહનચોરી, બાલોત્રા, પચપદરા ખાતે એનડીપીએસનો ગુનો નોંધાયેલો છે. -સુરેશ રૂપારામ હરીરામ જાની (23 વર્ષ, કુડી, બાડમેર) બાલોત્રા ખાતે એનડીપીએસનો ગુનો નોંધાયેલો છે. -સંજયસિંહ કમલસિંહ જાટવ (27 વર્ષ, નંગલા ધરસોની, ભરતપુર) મંડારા ખાતે બળાત્કાર, કર્ણાટકમાં 3 મંદિરમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. -પુખરાજ પેલારામ પાલીવાર (29 વર્ષ, પાંડ્યાવાસ, બાડમેર) -ભટ્ટરાજ ઉર્ફે ભટ્ટો હેમારામ ભીલ (19 વર્ષ, કુડી, બાડમેર) આરોપીઓ રાજસ્થાનના લોરેન્સ બિસ્નોઈ અને પુણેની પુણેચા ગેંગના સાથે સંકળાયેલા છે. જેઓ ગેંગ ઉપરાંત આ પ્રકારે ભેગા મળીને ગુનાને અંજા આપતા હતા.
મળેલી માહિતી પ્રમાણે આ ગેંગના ટાર્ગેટ પર અમદાવાદ-ગાંધીનગરના એક બિલ્ડર હતા. જેમના ઓફિસથી લઈને ઘરની રેકી તેઓ કરી ચૂક્યા હતા. તેઓ પોતાના લોકલ સોર્સ મારફતે ટાર્ગેટ નક્કી કરતા હતા. જે બાદ રેકી કરીને નક્કી કરેલાં સમયે ભેગા થઈને ગુનોને અંજામ આપતા હતા. અરવલ્લીના સોનીનું અપહરણ કરી 10 લાખ ખંડણી લીધી આરોપીઓએ વીસેક દિવસ પહેલાં હિંમતનગર ખાતે ફાયનાન્સનો ધંધો કરતાં એક વેપારીની રેકી કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટમાં તેઓ સફળ થયા ન હતા. એક વર્ષ પહેલાં આરોપીઓ અરવલ્લીના એક સોનીનું અપહરણ કરી શામળાજી લઈ શામળાજી લઈ ગયા હતા. 10 લાખની ખંડણી વસૂલ કર્યા બાદ તેઓએ સોનીને છોડ્યો હતો, જોકે આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ કહ્યું હતું કે, ‘આરોપીઓની ગુનાહિત ઇતિહાસ જોતા તેઓ અનેક ગુનામાં સામેલ છે અને આથી અમારો પ્રયત્ન રહેશે કે તેઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી થાય.’