અમદાવાદઃ શહેરમાં જાહેરમાં થૂંકવા અને માસ્ક નહીં પહેરવા બદલ દંડની રકમ રૂપિયા 200થી વધારીને રૂપિયા 500 કરી દેવામાં આવી છે, ત્યારે શહેરના પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો ગલ્લાના માલિકને પણ રૂપિયા 10,000 હજારનો દંડ કરાશે. આ નવો દંડ વસૂલવાની સત્તા મ્યુનિ. તંત્ર અને પોલીસ પાસે છે. જેનો તાત્કાલિક અમલ કરાતાં આડેધડ પાન-મસાલાનાં ગલ્લા બંધ કરાવવામાં આવ્યા હતા.
આજ દિન સુધી શહેરમાં કુલ 500 જેટલા પાન-મસાલાના ગલ્લા બંધ કરાવવામાં આવ્યા છે, ત્યારે પાન પાલર્રને લઇ અમદાવાદમાં જે રીતે કાર્યવાહી કરવામા આવી રહી છે તેનો ગુજરાત પાન મસાલા ઓનર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જો આ અંગે આગામી દિવસોમા યોગ્ય નીર્ણય નહીં લેવામાં આવે, તો રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પાન-ગલ્લા એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, લોકડાઉન દરમિયાન ગલ્લા બંઘ હોવા છતાં કોરોના કાબૂમાં આવી શક્યો નથી. આ ઉપરાંત તેમણે આ અંગે આગામી દિવસમાં સરકારને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો આવ્યો છે અને જો કોઇ કાર્યવાહી નહીં થાય તો હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાનના ગલ્લાને સીલ મારવા તેમજ દંડ વસુલવાને લઇ મોટા પાયે ચર્ચા કરવામા આવી હતી. જેમાં 10,000નો દંડ વધુ પડતો હોવાનું જણાવી તેનાથી લોકોમા નારાજગી પ્રવર્તી રહી હોવાની વાત રજૂ કરવામા આવી હતી. ક્યાંક દંડ વસુલવામાં આવે છે, તો ક્યાંક ગલ્લાને સીલ મારવામા આવે છે. એકસરખી નીતિ નહી હોવાનો સૂર સભ્યો દ્વારા વ્યકત કરવામાં આવ્યા હતા.
આમ પાન પાર્લરને લઇ ચર્ચા વિચારણા બાદ આ અંગે ચોક્કસ નીતિ બનાવવાનો નીર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામા આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, અમદાવાદ મનપા દ્વારા આગળના દિવસોમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જો કે, વિપક્ષ નેતા દિનેશ શર્માએ પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમના જણાવ્યા અનુસાર પણ 10,000નો દંડ કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી અને તેના માટે નીતિ ઘડવામાં આવે તેવી તેમની માંગણી પણ છે.