- અમદાવાદના બોડકદેવમાં કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલાની જાહેરસભા
- જાહેરસભામાં 08 વોર્ડના ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
- પરષોત્તમ રૂપાલાએ પોતાના જાણીતા અંદાજમાં કોંગ્રેસની ઠેકડી ઉડાવી
અમદાવાદ: કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલાની સભામાં અમદાવાદના ઘાટલોડિયા અને વેજલપુર વિધાનસભા અંતર્ગત આવતા ગોતા, બોડકદેવ, થલતેજ, સરખેજ, મકતમપુરા, ઘાટલોડિયા, વેજલપુર, જોધપુર વોર્ડના ભાજપના ઉમેદવારો હાજર રહ્યા હતા. ભાજપ કોરોનાનાં ભરડામાં આવ્યા બાદ સ્ટેજ પરના ભાજપના દરેક ઉમેદવાર, કેન્દ્રીય પ્રધાન અને વિધાનસભ્યો સહિત ભાજપના આગેવાનોએ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને ભાજપે કાર્યકરોમાં પ્રચારના માસ્ક વહેંચ્યાં હતા.
સાબરમતી નદીના પટમાં એક સમયે સર્કસો ઉતરતા, આજે વિમાનો ઉતરે છે: પરષોત્તમ રૂપાલા
પરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, સાબરમતીમાં એક સમયે સર્કસ ઉતરતા હતા, આજે વિમાન ઉતરે છે. નરેન્દ્ર મોદીના શપથ સમયે જ 2001માં નર્મદાનાં પાણી સાબરમતીમાં છોડાયા હતા. કેન્દ્રીય પ્રધાને આ સભામાં જુના અમદાવાદના અને નવા અમદાવાદના ચિત્રો પોતાના વક્તવ્ય થકી લોકોના માનસપટ પર ઉભા કર્યા હતા.
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીના આસામમાં ચા ના બગીચાના વક્તવ્ય સંદર્ભે કેન્દ્રીય પ્રધાને રાહુલને બાળક બુદ્ધિ ગણાવ્યા હતા અને ગુજરાત કોંગ્રેસની રાહુલને સમર્થનની વાત પર રોષે ભરાયા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વેપારીઓ પાસેથી પૈસા ખંચેરવાની વાતથી ગુજરાત કોંગ્રેસ કેવી રીતે સંમત થઈ શકે? કોંગ્રેસને ઉધોગકારોમાં અદાણી અને અંબાણી સિવાય કોઈ દેખાતું નથી.
કેન્દ્રિય પ્રધાને પોતાના સૌરાષ્ટ્રના રમૂજી લહેકામાં ભાજપના વિકાસના કામો ગણાવ્યા
કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, એક સમયે એસ.જી.હાઇવે બાયપાસ રોડ કહેવાતો હતો. તે આજે વિકાસનો પર્યાય બની ગયો છે. કોવિડ મેનેજમેન્ટમાં ભારત દુનિયાભરમાં આગળ રહ્યું છે. કોવિડ મેનેજમેન્ટના કારણે વિશ્વની ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. વર્તમાન સરકારે દુનિયાના 130 દેશોમાં દવા પહોંચાડી છે. પુરુષોત્તમ રૂપાલાએ એર ઇન્ડિયાના પાયલોટોએ લોકડાઉનમાં કરેલા કાર્યો માટે તાળીઓ પડાવી હતી.
મતદાન કરવા માટે રમૂજી વૃત્તિમાં કરી અપીલ
લોકડાઉન શરુ થયું ત્યારે ખેડુતોને ધ્યાનમાં રાખીને ગૃહપ્રધાન અમિત શાહે ખેતીના સાધનોને છૂટ આપી હતી. કેન્દ્રના કૃષિ કાયદાઓ સ્વૈચ્છીક છે. કોંગ્રેસ કેન્દ્રમાં ખતમ છે, સ્થાનિક સ્તરે પણ ખતમ કરવાનું લોકોને આહ્વાન પરષોત્તમ રૂપાલાએ કર્યું હતું. કેન્દ્રિય પ્રધાને કલમ 370 અને કેવડિયા તરફ જતી ટ્રેનોનો ઉલ્લેખ કર્યો હતો. સરદાર પટેલ ભાજપના નેતા નહોતા તેઓ કોંગ્રેસની સરકારમાં નેતા હતા, છતાં કોંગ્રેસીઓ કેવડિયા ગયા નહીં તેવું તેમને નિવેદન આપ્યું હતું. છેલ્લે લોકોને મતદાન કરવા કેન્દ્રીય મંત્રીએ રમૂજ વૃત્તિમાં અપીલ કરી હતી.