અમદાવાદઃ દેશમાં બાળકો સાથે મજૂરી કરાવવું તે કાનૂની ગુનો બની રહ્યો છે તેમ છતાં દેશના મોટાભાગના શહેરોમાં બાળકો સાથે મજૂરી કરાવવામાં આવી રહી છે. બાળ કામદાર અથવા બાળ શ્રમએ બાળકની રોજગારીને લાગેવળગે છે. જે લોકો નિયમિત અને કાયમી રીતે શ્રમ કરે છે. આચરણને ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પણ શોષણ માનવામાં આવી રહ્યું છે. ઘણાં દેશોમાં તે ગેરકાયદે ગણવામાં આવી રહ્યું છે ઈતિહાસમાં મોટેભાગે વિવિધ રીતે બાળ કામદારોનો ઉપયોગ થતો આવ્યો છે. ત્યારે આજે બાળકોના હકનો ખ્યાલ ઉત્પન્ન થતાં આ મુદ્દો જાહેર વિવાદ બની ચૂક્યો છે. વિશ્વના કેટલાક ભાગોમાં બાળમજૂરી સામાન્ય બાબત છે, જેમાં ફેક્ટરી કામ, ખાણ કામગીરી, પથ્થરની ખાણ, માતાપિતાના કારોબારમાં મદદ, કોઈ નાનો વ્યવસાય જેવા અનેક કામો બાળકો સાથે કરાવવામાં આવી રહ્યાં છે. જેમાં એક આંકડાકીય માહિતી પ્રમાણે માત્ર ગુજરાતમાં દર વરસે એક હજારથી વધુ કેસ દાખલ કરવામાં આવી રહ્યાં છે.
બાળમજૂરીના મુદ્દે સજાગતા કેળવવા ૧૨મી જૂને world day against child labour તરીકે આ દિવસે તમામ શ્રમિક સંગઠન સેવાભાવી સંસ્થા અને સરકાર બાળમજૂરીને સમાપ્ત કરવાના સંકલ્પો લેતી હોય છે. તેમ છતાં બાળમજૂરી યથાવત છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના રિપોર્ટ અનુસાર આજે પણ વિશ્વભરમાં લગભગ 15 કરોડ બાળકો મજૂરી કરવા માટે મજબુર બની રહ્યાં છે. તેમાંથી મોટાભાગના જોખમી પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં હોય તેવું પણ એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે. જ્યારે ભારતના જનગણના 2011ના રિપોર્ટ અનુસાર દેશમાં એક કરોડથી વધારે બાળ મજુરી કરી રહ્યાં હોય તેવો ચોંકાવનારો આંકડો પ્રસ્થાપિત થયો હતો.
બાળમજૂરી સામાન્ય રીતે બાળકોને વેતનની ચૂકવણી કર્યા વિના અથવા વેતન આપવાની સાથે શારીરિક કાર્ય કરાવવામાં આવે છે. બાળમજુરી માત્ર ભારત સુધી જ મર્યાદિત નથી તે એક વૈશ્વિક ઘટના ધીમે ધીમે બની રહી છે. ભારતમાં બાળમજૂરી વ્યાપક સ્તર પર છે. અહીં બાળમજૂરી માટે બાળકોની તસ્કરી પણ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રશંસનીય પગલું ઉઠાવી રહી છે. એટલા માટે સૌથી પહેલાં 1986માં બાળકશ્રમ નિષેધ અને નિયમન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ 14 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી તે ગેરકાયદે માનવામાં આવે છે.
આ સાથે જ ભારતીય બંધારણના અનુચ્છેદ 23 બાળકોને જોખમી ઉદ્યોગ અને કારખાનામાં કામ કરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે કલમ 45 અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં 14 વર્ષની ઉંમર ધરાવતાં બાળકોને મફત શિક્ષણ આપવું પણ ખૂબ જ ફરજિયાત બન્યું છે. છેલ્લાં કેટલાય વર્ષોથી ભારત સરકાર તેમ જ રાજ્ય સરકાર બાળકોના ઉત્થાન માટે અનેક યોજનાઓની શરૂઆત કરી રહી છે. જેનાથી બાળકોના જીવન તેમ જ તેમના શિક્ષણમાં હકારાત્મક અસર જોવા મળે. શિક્ષણનો અધિકાર પણ બાળમજૂરીની નાબૂદ કરવાની દિશામાં પ્રશંસનીય કાર્ય કરે છે, તેમ છતાં હજુ પણ બાળમજૂરીની સમસ્યા એક વિકટ સમસ્યા તરીકે જોવા મળી રહી છે જે તેમના કરોડો બાળકોના બાળપણને નષ્ટ કરી રહી છે.
ચાઇના લાઇનના બીનલબહેન પટેલ સાથે ઇટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બાળમજૂરી દિવસેદિવસે એક વિકટ પ્રશ્ન બની રહ્યો છે. લોકોમાં હજી પણ જાગૃતતા જોવા મળી રહી નથી. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી નંબર 1098 છે તેની જાણકારી પણ લોકોમાં જોવા મળતી નથી. બાળમજૂરી તે અલગઅલગ પ્રકારમાં જોવા મળી રહી છે. મોટાભાગના કારખાનાઓ ની અંદર બંધબારણે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાથી બહારના ભાગે તે જોવા મળતી ન હોવાથી બાળકો આ શોષણનો ભોગ બની રહ્યાં છે.
મહત્વનું છે કે બાળ મજૂરી કરવા માટે આવતાં બાળકો બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી આવતાં હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ટોલ ફ્રી નંબર એ અલગઅલગ ઝોનમાં વહેંચાયેલું છે જેમાં ગુજરાત મુંબઈ ઝોનની અંદર હોવાથી કોઈપણ સામાન્ય નાગરિક ચાઈલ્ડ લાઇનમાં ફોન કરતો હોય છે ત્યારે સૌપ્રથમ તેમનો કોલ મુંબઈ રજિસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ તે કોલ જે તે સેન્ટર ઉપર ફોરવર્ડ કરવામાં આવતો હોય છે. તે સેન્ટર પરના વોલિયન્ટર માહિતીની પહેલાં બારીકાઈથી ખરાઇ કરતી હોય છે. માહિતીની ખરાઈ કર્યા બાદ ચાઈલ્ડ લાઈન દ્વારા જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે. શ્રમવિભાગને જાણ કરવામાં આવે છે અન્ય સંસ્થાઓને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ એક આખું યુનિટ બનીને જ્યાં બાળમજૂરી ચાલી રહી હોય તે એકમ પર દરોડા પાડવામાં આવતાં હોય છે. દરોડા પાડયાં બાદ બાળકોને બાળમજૂરીના ચુંગાલમાંથી છોડાવી તેમને સ્થાનિક સંસ્થામાં, જ્યાં તેમનું પાલન થઈ શકે. શિક્ષણ મળી શકે તેવી જગ્યાએ મૂકવામાં આવતા હોય છે. બાળમજૂરી પાછળનું મહત્વનું કારણ જણાવવામાં આવતું હોય તો પરિવારની ગરીબી તે મુખ્ય કારણ અત્યાર સુધીમાં જોવા મળી રહ્યું છે.