રાજ્ય સહિત દેશમાં કોરોનાનો હાહાકાર
સરકારે ખાનગી હોસ્પિટલ માટે નક્કી કર્યા સારવારના દર
નિયમોનો ભંગ ખાનગી હોસ્પિટલ કરશે તો થશે કડક કાર્યવાહી
અમદાવાદ: દેશ અને રાજ્યમાં કોરોના મહામારીના તાંડવમાં અનેક લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલ સારવારના તોતિંગ ભાવ વસુલ કરી રહી છે. જોકે, હજુ સુધી સરકારમાં આ અંગે કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. બીજી તરફ સરકારે કોવિડની સારવાર માટે તોતિંગ ભાવ વસુલ કરનારા સામે કડક કાર્યવાહીની સુચના પણ આપેલી હોવાનો દાવો કર્યો છે.
કોરોનાની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો
રાજ્યમાં કોરોના મહામારી કારણે અનેક લોકો હેરાન પરેશાન છે ત્યારે અમદાવાદમાં AMC અને AHNAના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદની તમામ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
કોરોનાના દર્દીઓની સારવારના ભાવ નક્કી કરવામાં આવ્યા
ખાનગી હોસ્પિટલ જે AMC સાથે કરારબદ્ધ નહીં હોય તેના માટે કોરોનાના દર્દીઓની સારવારના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સરકારે સૂચવેલા 9,000ના કોવિડ પેકેજ સામે 8,100 રૂપિયા ભાવ નક્કી કરાયો છે. HDU વોર્ડના 12,600ના બદલે ઘટાડો કરી 10,000 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે ICU વોર્ડમાં સારવાર લેતા દર્દીઓના 18,050ના સ્થાને ભાવ ઘટાડો કરીને 14,500 ભાવ કરવામાં આવ્યા છે. બીજી તરફ પ્રાઇવેટ હોસ્પિટલ જેઓ AMC સાથે કરારબદ્ધ નહીં હોય તેમના પણ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય વોર્ડમાં ભાવ ઘટાડીને 9,000ના સ્થાને 7,200 કરવામાં આવ્યા છે. HDU વોર્ડમાં દાખલ દર્દીઓ પાસેથી હવે ખાનગી હોસ્પિટલ 10,000 રૂપિયા લેવામાં આવશે.
શું પ્રાઇવેટ હોસ્પિટલ નક્કી કરેલા ચાર્જ લઇ રહી છે?
કોરોના વાઈરસના કહેરની વચ્ચે અનેક સરકારી હોસ્પિટલની પરીસ્થિતિ કથળી પડી છે. જેના કારણે સરકારે ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવાની મંજુર આપવા આવી હતી. ત્યારે શરૂઆતમાં પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા સારવાર માટે તોતિંગ ભાવ વસુલવામાં આવી રહ્યો હતો. પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેતા અનેક લોકોએ એવો આરોપ પણ મુક્યો છે કે, તેમની પાસેથી ખુબજ વધારે ચાર્જ વસુલવામાં આવ્યો છે.
મુશ્કેલીના ભયથી કોઈ ફરીયાદ કરવા આગળ નથી આવી રહ્યું
એક દર્દીના પરિવારજને જણાવ્યું કે, મારા પિતાને કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે તેઓ ગામડે રહેતા હતા અને હું અમદાવાદ હતો. ત્યારે મારા પિતાએ ગામડે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી. જોકે, યોગ્ય સારવાર ન થતા આખરે હું તેમને અમદવાદ લઇને આવી ગયો હતો. જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. હું કેપેબલ હોવાથી આજે તોતિંગ ભાવ હોવા છતાં અંતે સારવાર કરાવી અને મારા પિતાને સ્વસ્થ કર્યા છે. જોકે, મારી ETVના માધ્યમથી સરકારને એક જ વિનંતી છે કે, સરકાર પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા લેવામાં આવતા ચાર્જની તપાસ કરાવે. કારણ કે, આજે હું કોઈ ફરીયાદ કરવા જઈશ તો તેની મુશ્કેલી મને જ થવાની તેેવા ભયથી કોઈ ફરીયાદ કરવા આગળ નથી આવી રહ્યું.
ખાનગી હોસ્પિટલ શું મજબુરીનો ઉપાડી રહી છે ફાયદો ?
કોરોનાની સારવાર અંગે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ચૂકેલા દર્દીના પરિવારના સભ્ય સાથે જયારે ટેલીફોનીક વાત થઇ ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆત અને સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલને સારવાર અંગે આપવામાં આવેલી મંજુરી બાદ તોતિંગ ભાવ વસુલવામાં આવ્યા હતા જોકે, મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ સરકાર એકશનમાં આવી અને કોરના પેકેજ અંગે કેટલાક દર નક્કી કરેલા છે. હાલ તે પ્રમાણે જ વસુલવામાં આવી રહ્યા છે.
સરકારી યોજનાની સહાય કોરોનાના દર્દીને આપવામાં આવે છે કેે કેેેેમ?
દેશ અને રાજ્યમાં જ્યારથી કોરોના નામની ગંભીર બીમારી શરુ થઈ છે ત્યારથી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું હતું. કેટલાક ધારાધોરણ નક્કી કર્યા બાદ હવે કોરોનાના દર્દીને માં અમૃતમ કાર્ડ, વીમા યોજના સહિત દરેક યોજનાની સહાય આપવામાં આવી રહી છે.
ખાનગી હોસ્પિટલ સામે ગેરરીતિની સરકાર સમક્ષ કોઈ ફરીયાદ નહીં
કોરોના કાળ દરમિયાન ગેરરીતિ અંગે જયારે રાજ્ય સરકારના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તમામ ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 અંગેની મંજૂરી આપેલી છે. જેના દર પણ અલગ-અલગ પ્રકારે નક્કી કરેલા છે. જો કોઈ ખાનગી હોસ્પિટલ વધારે ભાવ વસુલ કરે અને તે અંગે માહિતી અથવા ફરીયાદ મળી આવશે તો તે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ તેનું લાઈસન્સ પણ રદ કરી દેવામાં આવશે તે પ્રકારે જોગવાઈ કરેલી છે. જોકે, હાલ સુધી કોઈ ફરીયાદ સરકાર પાસે આવી નથી.