● ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ફરીથી એક વખત ગુજરાતની મુલાકાતે
● જાન્યુઆરીમાં સરદારધામ લોકાર્પણ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું
● રાજકોટ ખાતે બની રહેલી AIIMSનું ખાતમુહૂર્ત પણ આગામી મહિને થવાનું છે
અમદાવાદઃ 12 વર્ષ આ રાજ્યના મુખ્યપ્રધાન તરીકેના અનુભવે તેમને વડાપ્રધાનના પદ સુધી પહોંચાડયા છે. ગુજરાતના તેઓ હંમેશા ઋણી રહેશે. ગુજરાત તેમની જન્મભૂમિ છે. કોરોનકાળમાં પણ તેઓ ગુજરાત આવ્યા છે. તાજેતરની જ વાત કરીએ તો 31 ઓક્ટોબરે કેવડિયા કોલોની અને ત્યારબાદ 28 નવેમ્બરે અમદાવાદની ઝાયડ્સ કંપનીમાં કોરોના વેક્સિનની પ્રગતિ કાર્યનું નિરીક્ષણ કરવા તેમણે ગુજરાતની મુલાકાત લીધી છે.
● ગુજરાત સરકારે નિમંત્રણ પાઠવ્યું હોવાની નાયબ મુખ્યપ્રધાને કરી જાહેરાત
વિડીયો કોન્ફરન્સ મારફતે પણ ગુજરાતના જુદા-જુદા કાર્યો સાથે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન જોડાયેલા રહે છે. એટલે સુધી કે ગુજરાતના રાજકીય પ્રવાહોમાં પણ તેમનો પડછાયો હોય જ છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનામાં આવી રહી છે, તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ રાજકોટમાં એઇમ્સની જાહેરાત કરી હતી. ત્યારે જાન્યુઆરી મહિનામાં તેનું ખાતમુર્હત તેમના હસ્તે કરવામાં આવી શકે છે. આ માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સરકાર વતી તેમને આમંત્રણ પાઠવ્યું છે.
● સરદાર ધામના ઉદ્ઘાટનમાં સામેલ થઈ શકે છે વડાપ્રધાન
બીજી તરફ પાટીદારો દ્વારા સમાજ અને રાજ્યના ઉત્થાન માટે અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં સરદારધામ કેળવણી સંસ્થાનો બનવવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતેના 'સરદાર ધામ' ના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ અહીં આવી શકે છે. આ માટે સરદારધામ વતી વડાપ્રધાનને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
● વડાપ્રધાનની મુલાકાતથી ભાજપને થઈ શકે છે સ્થાનિક ચૂંટણીઓમાં ફાયદો
વડાપ્રધાન જો તે સમયગાળા દરમિયાન ગુજરાત આવશે તો તેનો લાભ સત્તા પક્ષને મળે તેમ છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા પાઠવેલા આમંત્રણ અને ગુજરાતમાં રાજકારણમાં પાટીદારોના વર્ચસ્વને જોતા વડાપ્રધાન મુલાકાત ચોક્કસ જ ચૂંટણીઓમાં સીધો લાભ સત્તાપક્ષ ભાજપને કરાવશે તેમાં કોઈ બે મત નથી.