અમદાવાદઃ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાંથી લોખંડ મંગાવીને ગુજરાતના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની લોહ પ્રતિમાનું નિર્માણ કરાવાયું છે. જે ભારતની એકતાનું પ્રતીક છે. જેનું ઉદઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ કરવામાં આવ્યું હતું. આ 31 ઓક્ટોબરે તેના 2 વર્ષ પૂર્ણ થશે. જેના ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની જશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, તેઓ અમદાવાદથી સી-પ્લેન દ્વારા કેવડીયા કોલોની પહોંચશે.
સ્ટેચ્યુ ઓફ યૂનિટીની જેમ અમદાવાદની સાબરમતી નદીમાંથી સી-પ્લેન ઉડાડવાનો વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. જેનું કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સાબરમતી નદીના આંબેડકર બ્રિજ પાસે સી-પ્લેન માટે ફ્લોટિંગ જેટી તૈયાર કરવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જેટીનું તેનું વજન લગભગ 20 ટન છે અને તેને નદીના પાણીમાં ટકાવી રાખવા માટે 15 ટનના એન્કર્સ નદીમાં રાખવામાં આવ્યા છે. નદીમાં પાણીનું સ્તર વધવા અને ઘટવાની સાથે જેટી પણ ઉપર-નીચે થશે. આ ઉપરાંત જેટી સુધી પહોંચવા માટે બ્રીજ પણ બનાવવામાં આવશે અને તેના માટે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને વોચ ટાવર પણ ગોઠવવામાં આવશે.વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સી-પ્લેનનું ઉદ્ધાટન કરી અમદાવાદથી કેવડિયા કોલોની જશે દરરોજ ચાર અપ-ડાઉન થશે. એક સાથે કુલ 14 પેસેન્જર પ્લેનની અંદર બેસી શકે તેવી વ્યવસ્થા છે. ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની સાથે અમદાવાદનું સ્થાનિક તંત્ર પણ આ કાર્ય સાથે જોડાઈ ચૂક્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને ફાયરસેફ્ટીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના વિકાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાળો છે. આ ડેમ પાસે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સી-પ્લેનથી ત્યાં પહોચવાના છે, ત્યારે ડેમમાંથી મગરોને પણ દૂર કરવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલ ગુજરાતવાસીઓ સી-પ્લેનના ઉડાનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.અમદાવાદથી આશિષ પંચાલનો વિશેષ અહેવાલ