રાષ્ટ્રપતિના આગમન સમયે તેના સ્વાગત માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચી ગયા છે. ત્યાં આજે વિશ્રામ લેશે અને રાત્રિ રોકાણ પણ રાજભવન ખાતે કરશે. ત્યારબાદ રવિવારે સવારે 9:30 કલાકે રાષ્ટ્રપતિ પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાની મુલાકાત લેવાના છે. અને ત્યારબાદ કોબા ખાતે આવેલ જૈન આરાધના કેન્દ્રના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે.
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ ગાંધીનગર રાજભવન પરત ફરીને કેન્દ્રીય કૃષિપ્રધાન પરસોત્તમ રૂપાલા સાથે કૃષિ બાબતોની એક બેઠક યોજવાના છે. જેમાં, મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠક બાદ તેઓ ગાંધીનગરથી અમદાવાદ જઈને દિલ્હી પર થશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આવવાના કારણે ગાંધીનગર સરકીટ હાઉસ અને મંત્રી મંડળ નિવાસ સ્થાન ખાતેના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ગત વર્ષે રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા હતાં. તે દરમિયાન તેઓએ સોમનાથ મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.