- મહાનગરનો મહાસંગ્રામ
- 48 વોર્ડની 192 બેઠક પર યોજાશે મતદાન
- સવારે 7થી સાંજે 6 સુધી મતદાન કરાશે
અમદાવાદઃ ચૂંટણી વિભાગ દ્વારા શહેરના 48 વોર્ડના 192 બેઠક માટે આવતીકાલે રવિવારે મતદાન થવાનું છે, ત્યારે તમામ મતદાન કેન્દ્ર પર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ કામગીરી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરના 48 વોર્ડ માટે 192 બેઠકો પર 4,500થી વધુ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. જેના માટે તમામ વ્યવસ્થાપક માટે 16 જેટલા ઓફિસર અને 100થી વધુ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નક્કી કરવામાં આવ્યા છે. જેના દ્વારા તમામ દેખરેખ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા EVM હેઠળ કુલ 10,000થી વધુ બેલેટ યુનિટ અને 5,400થી વધુ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
30,000 પોલીસ સ્ટાફ
અમદાવાદમાં 20 લાખથી વધુ મતદારો મતદાન કરશે, ત્યારે ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને 30,000 જેટલો પોલીસ સ્ટાફ ફરજ પર તૈનાત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVMને ગુજરાત કૉલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે.