- સમગ્ર રાજ્યમાં 50 કરોડના ખર્ચે 10 હજાર કેમેરા કાર્યાન્વિત થશે
- બોડી વોર્ન કેમેરાથી પોલીસ-પ્રજામાં શિસ્તનો સંચાર થશે
- ટેક્નોલોજીના નૂતન ઉપયોગના પગલે ગુનેગારોને પકડવાનું સહેલું બનશે
અમદાવાદ: ગૃહ પ્રધાન પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે. એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું. બોડી વોર્ન કેમેરાની ઉપયોગિતા વર્ણવતા ગૃહપ્રધાને કહ્યું કે, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, VVIP સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે, બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજીનો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે.
ગુજરાત સરકારે કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રે બજેટમાં રૂ.7,960 કરોડની ફાળવણી કરી
પોલીસ સેવાના વિસ્તરણ અને આધુનિકીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે અને રાજ્યમાં આ અંગે નક્કર પગલા ભરવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, વર્ષ 2017થી 2020 સુધીમાં ગુજરાત સરકારે લોકરક્ષકથી માંડીને પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના સંવર્ગમાં 30,419 યુવાનોની ભરતી કરી છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં કાયદો અને વ્યવસ્થા માટે રુ. 7,960 કરોડની ફાળવણી કરી છે.
આ પણ વાંચો:રાજ્યમાં ક્રાઇમમાં ઘટાડો: આધુનિક ટેક્નોલોજીની મદદથી નાગરિકોને સઘન સુરક્ષા અપાઇ
બહેન દીકરી સલામત હોવાનો સરકારનો દાવો
જાડેજાએ રાજ્યમાં શાંતિ અને સલામતી માટે કરવામાં આવેલા કાનૂન-સુધારાની વિગતો આપતા કહ્યું કે, બહેન અને દીકરીઓની સલામતી માટે રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં સુધારો કરી ગુનેગારોને નશ્યત કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જમીન પચાવી પાડતા અસામાજિક તત્વો પર શકંજો કસવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે.
ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવીટી અંગે આપી જાણકારી
રાજ્ય સરકારે ગુન્ડાઓ સામે વધુ કડક હાથે કામગીરી કરવા માટે ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવીટી(પ્રિવેન્શન), 2020 રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી અર્થે મૂક્યો છે. રાજ્યમાં પ્રજાની શાંતિ અને સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંની રુપરેખા આપતા પ્રધાને જણાવ્યું હતું કે, ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 7 હજારથી વધુ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગના આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ એવા ઈ-ગુજકોપનો પણ આ અવસરે ગૃહપ્રધાને ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોલીસતંત્રનો આ ડિજિટાઈઝેશન પ્રકલ્પ રાષ્ટ્રીય સ્તરે સરાહના પામ્યો છે. તેમણે આ અવસરે પોલીસ આધુનિકીકરણમાં ‘પોકેટ કોપ’ પ્રકલ્પનું પણ અગત્યનું સ્થાન હોવાનું જણાવ્યું હતું. રાજ્યના પોલીસતંત્રને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને વ્યાપક બનાવાયો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હતા હાજર
આ પ્રસંગે ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, કાયદો વ્યવસ્થા અને પોલીસ મોર્ડનાઈઝેશનના એડિશનલ ડીજીપી નરસિમ્હા કોમર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:રાજ્યના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લિકેશનને દેશમાં પ્રથમ પુરસ્કાર એનાયત થયો