- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ
- રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે
- તપ અને ત્યાગની ભાવના વધે છે
- ભવિષ્ય નિર્માણ માટે નવી ઊર્જા મળશે
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવવા અમદાવાદ આવ્યાં ત્યારે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને હૃદયકુંજની બહાર સંદેશા પોથીમાં સંદેશ લખ્યો હતો. વડાપ્રધાને આશ્રમની મુલાકાત નોંધમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરી બાપુને ભાવાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલ સંદેશ અક્ષરસઃ નીચે મુજબ છે
સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંનું પવિત્ર વાતાવરણ, અહીંયાની સ્મૃતિઓ સાથે જ્યારે આપણે એકાકાર થઈ છે ત્યારે સ્વભાવિકપણે તપ અને ત્યાગની ભાવના વધી જાય છે.
સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસમ્માનનો પણ સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પુણ્ય સ્થળ પર પુનઃ આવીને હું ધન્યતા અનુભવું છું.
આઝાદીના અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા અપાયેલ કાર્યાજંલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનને દરેક પડાવ પર અને દરેક ક્ષણે તેને યાદ કરશે જ, ભવિષ્ય નિર્માણ માટે નવી ઊર્જાની સાથે આગળ પણ વધશે.
મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપુના આશીર્વાદથી, આપણે ભારતવાસી આપણા કર્તવ્યોનું પાલન કરતાં અમૃત મહોત્સવના ઉદેશ્યોને અવશ્ય સિદ્ધ કરીશું.
નરેન્દ્ર મોદી
12-3-21