અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં જનસભાને સંબોધ્યા પછી હવે એ. એમ. નાયક હેલ્થકેર કોમ્પ્લેકેસ્ પહોંચ્યા છે. અહીં તેમણે નિરાલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ હેલ્થકેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે થયું સારું કામ: PM - વડાપ્રધાને ઉમેર્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રએ નવા મૂકામ હાંસલ કર્યા છે. આ 20 વર્ષમાં ગુજરાતમાં શહેરથી લઈને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય આંતરમાળખા માટે દરેક સ્તર પર કામ થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં હજારો હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં 600 દિનદયાળ ઔષધાલય શરૂ થયા છે. ગુજરાતમાં આજે સરકારી હોસ્પિટલમાં કેન્સર જેવી બીમારીની એડવાન્સ ટ્રિટમેન્ટની પણ સુવિધા છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની ક્ષમતા 450થી વધારીને 1,000 થઈ ગઈ છે. અમદાવાદ સિવાય જામનગર, ભાવનગર, રાજકોટ અને વડોદરા આવા અનેક શહેરોમાં કેન્સરની સારવારની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદમાં કિડની ઈન્સ્ટિટ્યૂટને વધુ આધુનિક બનાવવામાં આવી રહી છે. તેનો વિસ્તાર થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તેની બેડની સંખ્યા ડબલ થઈ જશે.
આરોગ્ય પર અમે ભાર મૂક્યોઃ PM - છેલ્લા 8 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રને સારું બનાવવા માટે અમે હોલિસ્ટિક એપ્રોચ પર ભાર મૂક્યો છે. અમે સારવારની સુવિધાને આધુનિક બનાવવાનો પ્રયાસ તો કર્યો છે. સારું પોષણ, સ્વચ્છ જીવનશૈલી એક પ્રકારે પ્રિવેન્ટિવ હેલ્થ સાથે જોડાયેલા બિહેવિયલ વિષય પર કે જે સરકારના પ્રાથમિક જવાબદારી હોય છે. તેની પર અમે ભાર આપ્યો છે. અમારો પ્રયાસ એ જ છે કે, ગરીબ, મધ્યમ વર્ગના લોકોને બીમારીથી બચાવી શકાય તેમ જ સારવાર પર થનારો ખર્ચ ઓછામાં ઓછો થાય. ખાસ કરીને બાળકો અને માતાઓના સારા આરોગ્ય માટે જે પ્રયાસ થયા છે. તેના સ્પષ્ટ પરિણામ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં પણ આરોગ્ય આંતરમાળખું સારું થયું છે.
નવસારી સહિતના જિલ્લાના લોકોને મળશે મદદઃ PM - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, એ એમ નાયક અને તેમનો પરિવાર જે કપરા સમયથી પસાર થયો. તેવા સમયથી અન્ય કોઈને પસાર ન થવું પડે તેનો સંકલ્પ આ પ્રોજેક્ટમાં જોવા મળે છે. અનિલભાઈએ પિતૃ ઋણ, ગામનું અને માતૃ અને સંતાનનું ઋણ ચૂકવ્યું છે. નવસારી સહિત આસપાસના જિલ્લાઓને પણ આ આધૂનિક હોસ્પિટલથી ઘણી મદદ મળશે.
ઈઝ ઓફ લિવિંગ સાથે જોડાયેલી યોજનાઓ આજે શરૂ થઈઃ PM - વડાપ્રધાને હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, નવસારીની ધરતી પરથી દક્ષિણ ગુજરાતના વિસ્તારના લોકો માટે ઈઝ ઓફ લિવિંગ સાથે જોડાયેલી અનેક યોજનાઓ શરૂ થઈ છે. આરોગ્ય સાથે જોડાયેલા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ અહીંના લોકોને નવી સુવિધા મળી છે. થોડા સમય પહેલા જ અહીં મેડિકલ કોલેજનું ભૂમિપૂજન થયું છે. ને હવે અહીં આધુનિક હેલ્થકેર સેન્ટર અને મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાની મને તક મળી છે.
CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન - આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, આ હોસ્પિટલનું ઉદ્ઘાટન જનસેવા એ જ પ્રભુસેવાની સંસ્કૃતિને ઉજાગર કરવાનો આ પ્રસંગ છે. એક જ વર્ષના ટૂંકા ગાળામાં અદ્યતન આધૂનિક હોસ્પિટલ શરૂ થઈ છે. તે માટે અભિનંદન. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં આરોગ્ય, સેવા અને હોસ્પિટલોનો વ્યાપ વધ્યો છે. 500 બેડની ક્ષમતા ધરાવતી નિરાલી હોસ્પિટલ દર્દીઓને સારી સેવા પૂરી પાડશે. આ હોસ્પિટલથી સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના દર્દીઓને રાહત રહેશે. સાથે જ મહારાષ્ટ્રના 2 જિલ્લાને પણ આ હોસ્પિટલનો લાભ મળશે.