- ધાર્મિક પરંપરાથી લોકોએ કાર શોરૂમમાં વાહનોની ખરીદી શરૂ કરી
- ટુ વહીલરના એડવાન્સ બુકીંગ કરતા ફોર વહીલરનું બુકિંગ વધુ
- કાર બુકીંગ કરવા જતાં 100 માંથી માત્ર 30 ટકા લોકોને વેઇટિંગ વગર વાહન મળી રહ્યું છે
અમદાવાદ: વર્ષોથી દશેરાના દિવસે લોકોમાં કારની ખરીદી કરતાં હોય છે ત્યારે શહેરના એસ.જી હાઇવે પર આવેલા મારુતિ સુઝુકી શોરૂમના ટીમ લીડર મિત શુક્લાએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષ એટલે કે 2020 કરતાં 2021માં દશેરાના દિવસે કારની ખરીદી માટે આવતા ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. આ વધારો ગત વર્ષ કરતા 25થી 30 ટકા જેટલો થયો છે. તેની સામે સ્થિતિએ છે કે ગ્રાહકો જે કલર અને મોડેલની માંગ કરે છે તેની ડિલિવરી માટે ઓછામાં ઓછા એકથી દોઢ મહિના જેટલું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. દર સોમાંથી 30 વ્યક્તિઓને જ કાર મળી રહી છે બાકીનાઓએ વેઇટિંગ કરવો પડી રહ્યું છે.
ગ્રાહકોએ કેમ કરવું પડી રહ્યું છે વેઇટિંગ?
આ મુદ્દે જણાવતા શુક્લાએ કહ્યું હતું કે હાલમાં કારમાં ચાલતા સેમી કંડકટર પ્રોડક્શનમાં આવેલા ઇસ્યુને કારણે વૈશ્વિક કક્ષાએ કાર પ્રોડક્શનમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે કાર ડિમાન્ડની સામે તેનું પ્રોડક્શન થઈ રહ્યું નથી. ઘણા કિસ્સાઓમાં લોકોને મુહૂર્ત મુજબ કાર ન મળતા તેઓ કાર લેવાનું ટાળી પણ રહ્યા છે. લોકોએ અગાઉથી જ કાર ડિલિવરી કરી હોય તેવા લોકોને આજના દિવસે કાર મળી રહી છે. દશેરાના દિવસે જે લોકોને કારની ડિલેવરી મળી રહી છે તેમણે આજથી એક થી દોઢ મહિના પહેલાથી જ બુકિંગ કરાવી રાખ્યું છે.
શું કહે કારની ડિલિવરી લેવા આવેલા ગ્રાહક સતબીર સિંહ?
કારની ડિલેવરી લેવા આવેલા સતબીર સિંહે ETV ભારતને જણાવ્યું હતું કે તેઓ જ્યારે કાર ખરીદવા આવ્યા ત્યારે શોરૂમ તરફથી તેમને જણાવવામાં આવ્યું કે હાલમાં વેઇટિંગ ચાલી રહ્યું હોવાના કારણે તેમને તાત્કાલિક કાર મળી શકશે નહીં. થોડા દિવસ બાદ શોરૂમમાંથી કારની ડિલેવરી થઈ શકશે તેઓ મેસેજ મળતાં તેઓ આજે કાર લેવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે અમદાવાદ જેવા મોટા શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા કાર અનિવાર્ય છે તેથી તેમણે કાર ખરીદી છે. નિશ્ચિતરૂપે પેટ્રોલ અને ડિઝલના ભાવ સામાન્ય જનતાના બજેટ ઉપર અસર કરી રહ્યું છે પરંતુ જરૂરિયાત હોવાથી તેમણે કાર ખરીદી છે. તમે સરકારને ETV ભારતના માધ્યમથી અપીલ પણ કરી હતી કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવો જોઈએ.