ભરુચઃ ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામની સીમમાંથી દીપડાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. ઝઘડિયા તાલુકાના સરકારી વાઘપુરા ગામની સીમમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ ઝઘડિયા વનવિભાગને થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. આશરે પાંચ વર્ષીય દીપડાનું ત્રણ દિવસ પહેલાં મોત નીપજયું હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગુજરાતમાં માંસાહારી વન્ય પ્રાણીઓની વસતીમાં સિંહોનું પ્રમાણ વધારવા સતત પ્રયાસ થાય છે. ત્યાં દીપડાની વસતીમાં મોટાપાયે વધારો નોંધાતો રહ્યો છે. એક માહિતી પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં દીપડાની વસતી ગણતરી મુજબ દીપડાની સંખ્યામાં 20.25 ટકાની વૃદ્ધિ થઇ છે. 2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં વધીને 1,395 થઈ હતી. આમ દીપડાની વસતીમાં સતત વધારો થતો રહ્યો છે.