અમદાવાદ મધ્યસ્થ જેલની બહારની દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું - અમદાવાદ સમાચાર
શહેરના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલું ગુજરાત રાજ્ય જેલ વિભાગ, અમદાવાદ મધ્યસ્થ જેલના વહીવટી સંકુલની બહારની દિવાલોને સ્વચ્છ કરી ચિત્રો દોરવામાં આવ્યા હતાં. રાજકોટથી આવેલા 50 જેટલાં ચિત્રકારોએ જેલની વિવિધ પ્રવૃત્તિઓના ચિત્રો દિવાલો પર દોર્યા હતા.

- 50 કલાકારોએ જેલની વિવિધ પ્રવૃત્તિઓના ચિત્રો દિવાસો પર દોર્યા
- રાજકોટની 'મિશન સ્માર્ટ સિટી' ચિત્રનગરી તરીકે ઓળખાતી સંસ્થાના ચિત્રકારોએ ચિત્રો દોર્યા
- જેલની બહારની દિવાલો પર 90 જેટલા ચિત્રો દોર્યા
- બે વર્ષ પહેલાં રાજકોટ જેલ બહાર પણ આ રીતે ચિત્રો દોરવામાં આવ્યા
અમદાવાદઃ સરકારી જમીન કે દિવાલોની આસપાસ મોટે ભાગે ગંદકી, દબાણો કે અવનવી જાહેરાતના ચિત્ર જોવા મળતા હોય છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી સામાજિક સંસ્થાઓ અને સરકારી અધિકારીઓની સજાગતાના કારણે અનેક માર્ગોની દિવાલો પર સુંદર કલાત્મક વિષયો સાથેના ચિત્રો દોરવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજકોટની 'મિશન સ્માર્ટ સિટી' ચિત્રનગરી તરીકે ઓળખાતી સંસ્થાના ચિત્રકારોએ ભેગા મળી અમદાવાદ શહેર મધ્યસ્થ જેલ વહીવટી સંકુલની દિવાલો પર પેઇન્ટિંગ કર્યા હતા.


અર્ધનારી પાયલ રાઠવાએ વારલી પેઇન્ટિંગ તૈયાર કર્યા
ચિત્રનગરીના જીતુભાઇ ગોટેચાએ જણાવ્યું હતું કે, તેમની સાથે જોડાયેલા 50 જેટલાં કલાકારોએ અમદાવાદ જેલ સંકુલની દિવાલો પર 90 જેટલાં ચિત્રો દોર્યા હતા. કલાકારોના ગ્રુપમાં એક અર્ધનારી પાયલ રાઠવાએ વારલી પેઇન્ટિંગમાં જેલની ગૌ શાળા, દરજીકામ, બ્યુટી તાલીમ, ઇસ્ત્રી કામ જેવા વિષયોને વણી લીધા હતા. અન્ય કલાકારોએ સુથારી કામ, વણાટ કામ, કેન્ટીન વિભાગ, રંગકામ, પરિવાર સાથે વીડિયો કોલિંગ જેવી જેલની પ્રવૃત્તિઓના ચિત્રો દિવાલો પર દોર્યા હતા. બે વર્ષ પહેલાં રાજકોટ જેલ બહાર પણ આ રીતે ચિત્રો દોરવામાં આવ્યાં હતા.


ચિત્રનગરીએ સંસ્થાએ હજારો પેઇન્ટિંગ તૈયાર કર્યા
ચિત્ર નગરી સંસ્થાએ જુદા જુદા શહેરોમાં 6 વર્ષમાં અનેક ફ્લાયઓવર, અન્ડરપાસ, રેલવે સ્ટેશનને વિવિધ વિષયો સાથેના પેઇન્ટિંગ દ્વારા સુંદરતા આપવાનો પ્રયાસ કર્યો છે.

જેલની રચનાત્મક પ્રવૃત્તિઓથી લોકો પણ માહિતગાર થાય
રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા અર્ધનારી પાયલ જેવા અનેક લોકોને કામ પણ મળી રહે છે. આ સાથે અનેક સંકુલો અંદર અને બહારથી શોભી ઉઠે છે. દિવાલ ચિત્રોથી તથા સંસ્થાની પ્રવૃત્તિઓથી પણ લોકો માહિતગાર થાય છે.