- નાતાલ અને 31મી ડિસેમ્બરને લઇ અમદાવાદ શહેર પોલીસ સક્રિય
- શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ અને પાર્ટી આયોજકો ઉપર રાખવામાં આવી રહી છે બાજનજર
- 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસનો રહેશે કડક બંદોબસ્ત
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. કોરોના કહેરને જોતા શહેરમાં રાત્રિ કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આવનારા તહેવારને લઈને રાજ્ય સરકાર અને અમદાવાદ શહેર પોલીસ સતર્ક જોવા મળી રહી છે. નાતાલ અને ૩૧મી ડિસેમ્બરને લઈ સરકાર દ્વારા એક ગાઈડ લાઈન તૈયાર કરવામાં આવી છે, જેમાં રાત્રિ સમયે એક તરફીમાં કોઈપણ સેલિબ્રેશન કરવામાં આવશે નહી, જો જે પણ વ્યક્તિ નિયમ તોડશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ સાથે જ શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પણ પોલીસની બાજ નજર ગોઠવવામાં આવી છે અને નિયમ ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરશે તેવી આગમચેતી પણ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે આપી છે. ફાર્મ હાઉસ તથા પાર્ટી આયોજકો ઉપર પોલીસે વોચ ગોઠવી છે.
એસજી હાઈવે પર નહીં થાય 31 ડિસેમ્બરની ઉજવણી
અમદાવાદ શહેરમાં જે રીતે દર વર્ષે રસ્તા પર લોકો ભેગા થતા હતા અને મોડી રાત સુધી શહેરના એસ.જી.હાઇવે અને તેને અડીને આવેલા ક્લબ અને ફાર્મ હાઉસમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી થતી હતી, જે આ વર્ષે નહીં થાય આ અંગે શહેર પોલીસ કમિશ્નરે જણાવ્યું છે કે, હાલ કોરોનાના કારણે શહેરમાં રાત્રી કરફ્યૂ છે અને આ વખતે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ પર પણ પોલીસ ગોઠવશે વોચ
વધુમાં જણાવ્યું કે, બીજી તરફ અમે પોલીસને ખાનગી કપડામાં અને ખાનગી વાહનોમાં અમદાવાદને અડીને આવેલા ફાર્મમાં વોચ ગોઠવવા કહેવામાં આવ્યું છે. જેની સાથે જો આ વખતે કોઈપણ વ્યક્તિ પાર્ટીમાં પહોંચ્યા કે કોઈ નશો કરેલી હાલતમાં દેખાશે તો તેની આ વખતે ખેર નહીં.
31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશન ડ્રાઈવ
શહેરમાં આગામી દિવસોમાં આવનારા 31મી ડિસેમ્બરની પાર્ટી અને પરમિશન અંગે શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ વખતે કોરોનાના કારણે કોઈને પણ પરમીશન આપવામાં આવી નથી. તેની સાથે જ 31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશન ડ્રાઈવ પર સતત કરવામાં આવી રહી છે. તેની સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ ઉપર સતત વોચ રાખી રહ્યા છે. અમદાવાદમાં રાત્રી દરમિયાન કોઈપણ વાહન ચલાવતું નજર આવશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ અમદાવાદમાં પ્રવેશનારા તમામ વાહનો પર પણ અમદાવાદ શહેર પોલીસની બાજનજર ગોઠવાયેલી છે.