- સંસદમાં OBC બિલમાં સંશોધન પાસ થશે
- ગુજરાતમા પાટીદારોને અનામતમાં સમાવી શકાશે
- રાજ્ય સરકારો પોતાની મતબેંક સાચવી રાખશે
- અનેક રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, તેનો સીધો લાભ મળશે
અમદાવાદ: OBC અનામત બિલ પાસ થઈ જશે અને રાષ્ટ્રપતિ જાહેરનામુ બહાર પાડશે પછી મહારાષ્ટ્રમાં મરાઠા, કર્ણાટકમાં લિંગાયત અને હરિયાણામાં જાટ સમુદાયને ઓબીસીનો દરજ્જો મળશે. તેમજ ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતું. હવે પાટીદારોને OBCમાં સમાવવા કે નહી તે અંગે ગુજરાત સરકાર સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકશે.
શા માટે રાજ્ય સરકારને અધિકાર આપ્યો?
મરાઠા અનામત આંદોલનના સંદર્ભમાં 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે OBCની યાદી તૈયાર કરવાની કે તેમાં સુધારો કરવાનો ફકત કેન્દ્ર સરકારને જ અધિકાર છે. કેન્દ્ર સરકારે હવે અનામત મુદ્દે કોઈ જોખમ લેવા માંગતી નથી, તેથી આ બિલ પાસ કરીને કેન્દ્ર સરકારે રાજ્યોને OBCની યાદી સુધારો કરવાનો અધિકાર આપી રહી છે. OBC નક્કી કરવાની સત્તા કેન્દ્રની હોવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વખતે કેન્દ્ર સરકારે વાંધો દર્શાવ્યો હતો, હવે કેન્દ્ર સરકાર બંધારણમાં સુધારો કરીને આ સત્તા રાજ્ય સરકારને આપી રહી છે.
વિપક્ષો ઓબીસી બિલને કેમ સમર્થન આપી રહ્યા છે?
OBC સંબધિત સંશોધન બિલને વિપક્ષોએ સમર્થન આપવાનું નક્કી કર્યું છે. કારણ સાફ છે કે OBCની મતબેંક તમામ પક્ષોની છે. જેથી રાજ્યવાર જાતિગત સમીકરણો ગોઠવવા માટે હવે રાજ્ય સરકારને સત્તા મળી જશે. વિપક્ષોએ બેઠક કરી હતી, અને આ બિલને ટેકો આપવાનું કહ્યું હતું. જેથી OBC બિલ પસાર થઈ જશે. તમામ પક્ષોને આ બિલમાં લાડવો દેખાય છે, અને OBC જ્ઞાતિ પાસ તેમણે મત લેવા જવાનું છે.
રાજ્યોની ચૂંટણીમાં લાભ મળશે
ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોના વિધાનસભાની ચૂંટણી 2021- 2022માં આવી રહી છે, રાજ્યોને OBCની યાદી તૈયાર કરવાની અને ઉમેરવાની સત્તા મળી જશે. રાજ્યો પોતાની મતબેંક સાચવવા માટે જ્ઞાતિ આધારિત સમીકરણ રચશે, અને તે પ્રમાણે જ OBCની યાદી તૈયાર કરશે. અત્યાર સુધી ઓબીસી સૌથી મોટી વોટબેંક રહી છે, તે સૌ સારી રીતે જાણે છે. જે રાજ્યોમાં સત્તા સ્થાને જેની સરકાર છે તેને આનો લાભ મળશે, હાલ તો પ્રથમ નજરે આમ દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં છે
ગુજરાતમાં હાલ OBC કેટેગરીમાં 146 જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ સામેલ છે. આ તમામ જ્ઞાતિઓ માટે કુલ બેઠકોમાં 27 ટકા અનામત પ્રાપ્ત છે. અનુસુચિત જાતિની 36 જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓની 7.5 ટકા અનામત મળવાપાત્ર છે. જયારે 32 અનુસિચિત જનજાતિની જ્ઞાતિઓને 15 ટકા અનામત મળવાપાત્ર છે. આમ કુલ મળીને આ અનામતનો આંક 50 ટકા ઉપર જવો જોઈએ નહી.
પાટીદારોનો સમાવેશ થશે?
ગુજરાતમાં 2015થી પાટીદારો અનામત આંદોલન કરી રહ્યા છે. 2016માં ગુજરાત સરકારે આર્થિક પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. પણ પાટીદારોએ સરકારની આ જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આ અનામતને ગેરબંધારીય ગણાવી હતી. હવે જ્યારે કેન્દ્ર સરકારે OBCની યાદી તૈયાર કરવાની સત્તા રાજ્ય સરકારને પાછી આપી રહી છે, ત્યારે હવે રાજ્ય સરકારે જ નક્કી કરશે અને ઓબીસી કમીશનને ભલામણ કરશે.
![હાર્દિક પટેલનું ટ્વિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12732660_img.jpeg)
હાર્દિક પટેલનું ટ્વીટ, નિર્ણયને આવકાર્યો
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સોમવારે જ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. અને બીજા ટ્વીટમાં લખ્યું હતું કે હું ગુજરાત સરકારને વિનંતી કરુ છું કે જનરલમાં આવી રહેલી વિભિન્ન જાતીઓ OBCના માપદંડના આધાર પર સર્વે કરે, જેથી આ સમાજના સામાજિક અને આર્થિક સ્થિતિ જાણીને OBCમાં સામેલ કરવાનું ઐતિહાસિક કામ કરી શકાય.
ઓબીસી પંચ સર્વે કરીને યાદી બનાવે છેઃ ભાજપ
પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે OBCની યાદીમાં ઉમેરો કરવાનું કામ ગુજરાતમાં નહી પણ આખા ભારતમાં OBC પંચ કરે છે. આ પંચ સ્વાયત હોય છે. પંચ આ સર્વે કર્યા બાદ તે જ્ઞાતિઓ કેટલા ટકા, ભણતર અને આર્થિક પછાત છે, તે પછી યોગ્ય નિર્ણય લે છે, અને તે રાજ્ય સરકારને ભલામણ કરે છે. અને ત્યાર પછી રાજ્ય સરકાર આખરી નિર્ણય કરે છે. આ પ્રક્રિયાથી હાર્દિક પટેલ અજાણ હશે. અજાણ ન હોવા જોઈએ કે તેમણે પાટીદારોનું આટલું મોટું આંદોલન ચલાવ્યું હતું.
અનામતનો લાભ ખોટા લોકો લઈ રહ્યા છેઃ રાજકીય તજજ્ઞ
રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે અનામતની જોગવાઈ કામચલાઉ કરી હતી. પણ મતબેંકને કારણે કેટલાક રાજકીય પક્ષોએ તેને સજ્જડપણે કાયમી બનાવી દીધી છે. આ અનામતનો લાભ સામાજિક અને આર્થિક રીતે ખરેખર નબળા છે, તે લોકો સુધી પહોંચતો નથી, તે સંશોધન કરવાની જરૂર છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું, ત્યારે પાટીદારો સમૃદ્ધ છે, તેવો રોષ જોવા મળ્યો હતો. બીજી વાત એ છે કે મેરિટ હોય તેવા લોકો આ અમાનતનો લાભ લે છે. મહેનત કરનાર પાછળ રહે છે, તેને પ્રવેશ મળતો નથી. ત્યાર પછી ઈકોનોમીક બેકવર્ડ ક્લાસ(EBC) અનામત આવી હતી. ઓવરઓલ જોઈએ તો ભારતમાં અનામત 50 ટકાથી વધવી ન જોઈએ. તે અંગે સુપ્રીમ કોર્ટે વારંવાર ટકોર કરી છે, તેમ છતાં કેટલાક રાજ્યો આનાથી વધુ અનામત આપી રહ્યા છે.