અમદાવાદઃ કિચન ગાર્ડનનો વિચાર 16મી સદીમાં પ્રસ્તુત થયો હતો. તે વખતનાં વિચારક ચાર્લ્સ એસ્ટિને ‘મૈસોન રુસ્ટિક’માં આ વિશે વિગતવાર લખ્યું હતું કે, આ એક એવો બગીચો છે. જે રહેણાંક અને અન્ય બગીચાઓ કરતા ખૂબ અલગ છે. જેને શાકભાજીનો બગીચો પણ કહી શકાય. દૈનિક જીવનમાં પરંપરાગત ખોરાકની ગુણવત્તા વધે એ હેતુથી હવે લોકો ઘરઆંગણે જ શાકભાજીની આ નવી ખેતીને અપનાવવા લાગ્યાં છે. ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેને ઘરઆંગણાની ખેતી (કિચન ગાર્ડનીંગ) કહેવાય છે. તેના થકી શુદ્ધ તાજું અને મનપસંદ શાક મળી રહે છે.

અમદાવાદ બાગાયત નિયામકની કચેરીમાં આ બિયારણ લેવા આવતાં લોકો સાથે સંપર્કમાં રહી શકાય અને તેઓને સમયાંતરે માર્ગદર્શન આપી શકાય તે હેતુથી એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેથી કચેરી દ્વારા નવીનતમ માહિતીની આપલે કરી શકાય તથા ગાર્ડનિંગમાં રસ ધરાવતા લોકો પણ તેમને પડતી મુશ્કેલીઓ અહી કહી શકે છે. જેના ભાગરુપે આજ રોજ કિચન ગાર્ડન અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરના લોકો હોશભેર જોડાયાં હતાં.
