- જીટીયુ NSSના સ્વયંસેવકો જરૂરિયાતમંદ સુધી પહોંચાડશે દવા
- 142 યુનિટના 10,000થી વધુ સ્વયંસેવકો આપશે સેવા
- આગામી 18મેથી 10જૂન સુધી દવાઓ એકત્રિત કરીને GTU ખાતે પહોંચાડશે
અમદાવાદ: આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ડૉક્ટર મને ફાર્માસિસ્ટના માર્ગદર્શન હેઠળ વણવપરાયેલી દવાઓનું વર્ગીકરણ કરીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવશે. ત્યારે આ મહામારીમાં GTU દ્વારા થતી તમામ મદદ કરવામાં આવશે. લોકડાઉન સમય દરમિયાન પણ જીટીયુ NSSના સ્વયં સેવકો ઓક્સિજન અવરનેસ, 108માં સેવા આપવી, માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે સર્વે જેવી વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહીને ખરાં અર્થમાં કોરોના વોરીયર્સ સાબિત થયા છે. કોરોના મુક્ત દર્દીઓની વણવપરાયેલી દવાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાના GTUના આ નિર્ણયને સ્વયંસેવકો દ્વારા સહર્ષ વધાવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતની 6 કોલેજ થશે બંધ, વિદ્યાર્થીઓ નહીં મળતાં કોલેજ તંત્રએ લીધો નિર્ણય
દવા GTU ખાતે લાવવામાં આવશે
142 યુનિટના 10,000થી વધુ સ્વયંસેવકો આગામી 18મેથી 10જૂન 2021 દરમિયાન તેમની સોસાયટી અને નજીકના વિસ્તારમાંથી વણવપરાયેલી દવાઓ એકત્રિત કરીને રાજ્યના 6 જુદાં-જુદાં ઝોન ખાતે નિયુક્ત કરાયેલા પ્રોગ્રામ ઓફિસર્સને સંગ્રહીત દવાનો જથ્થો પહોંચાડશે. ત્યારબાદ એ દવા GTU ખાતે લાવવામાં આવશે.
આ પણ વાંચો: GTUના પ્રથમ સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ
ઉપયોગની અવધી પૂર્ણ થયેલી દવાનો થશે યોગ્ય નિકાલ
ડૉક્ટર અને ફાર્માસિસ્ટ દ્વારા વિવિધ દવાઓનું વર્ગીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ઉપયોગની અવધી પૂર્ણ થયેલી દવાનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ વર્ગીકૃત થયેલી દવાના જથ્થાને સિવિલ હોસ્પિટલ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે.