- ગુજરાતના આરોગ્ય વિભાગના પરિપત્રનું ઉલ્લંઘન
- મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓનો નથી જોવાતો RT-PCR ટેસ્ટ
- પ્રવાસીઓનું સ્ક્રીનિંગ પણ નહીં
અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર જોવા મળી રહી છે. દેશમાં દરરોજ 40 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. તેમાંથી અડધા કરતાં વધુ કેસ એકલા મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસનો આંકડો 1,500ને પાર કરી ગયો છે.
અમદાવાદ જેવા કોરોના હોટસ્પોટ શહેરમાં તંત્રની બેદરકારી
અમદાવાદ જેવા શહેરમાં કોરોના કેસનો આંકડો 500થી ઉપર પહોંચ્યો છે. સુરત પણ આ આંકડાની નજીક જ છે. ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગે નોંધ્યું હતું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ આવતા લોકો મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે, મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનો ફરજિયાત RT-PCR ટેસ્ટ રિપોર્ટ લઈને આવવું. તેમજ સ્ટેશન પર મહારાષ્ટ્રના મુસાફરોનું સ્ક્રીનિંગ કરવું.
આ પણ વાંચો: કોરોના મહામારીના કારણે 280 કંપનીઓ નાદાર જાહેર થઈ
પ્રવાસીઓ પાસેથી મહારાષ્ટ્ર કે અમદાવાદમાં કોઈપણ રિપોર્ટ જોવા ન મંગાયો
આ પરિપત્રનો અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉલ્લંઘન જોવા મળ્યું હતું. બપોરે 1 કલાકે મુંબઈથી અમદાવાદ પહોંચેલી શતાબ્દી એક્સપ્રેસમાંથી ઊતરતાં પેસેન્જરોનું કોઈપણ જાતનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું નહોતું કે ના તેમની પાસે કોઈએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ માંગ્યો હતો. પેસેન્જરોએ જણાવ્યું હતું કે, તેમની પાસેથી મહારાષ્ટ્ર કે અમદાવાદમાં કોઈપણ રિપોર્ટ જોવા મંગાયો નથી. તેમજ કેટલાય પેસેન્જરોએ માસ્ક પણ પહેર્યું નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશનારા વ્યક્તિઓના ટેસ્ટ અને સ્ક્રિનીંગ ફરજિયાત
રેલવે સ્ટેશને કોરોનાને લઈને કોઈ સુરક્ષા નહીં
રેલવે સ્ટેશન પર કોરોનાને લઈને કોઈ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી ન હતી. સેનેટાઈઝર મશીન પણ બંધ હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ માટે એક ટીમ સ્ટેશન બહાર હતી. બીજી તરફ રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. જ્યારે ગુજરાતમાં કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગે તેના પરિપત્રની કોપી વિવિધ જિલ્લાના કલેક્ટર, પરિવહન વિભાગ અને પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરને પણ મોકલી આપી છે. ત્યારે આવી બેદરકારી ચલાવી લેવાય નહીં.