- રાત્રે 10 વાગ્યાથી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલની બહાર લાગી લાઇન
- ખાનગી વાહનમાં આવેલા દર્દીનું સારવાર મળે તે પહેલા જ મોત
- નેતાઓ મત લેવા આવશે ત્યારે સબક શિખડાવીશુંઃ દર્દીઓનો આક્રોષ
અમદાવાદઃ ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે શરૂ કરાયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં હાલ 558 બેડ ચાલુ સ્થિતિમાં છે. શનિવારના રોજ 90 દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ હોસ્પિટલ બહાર લગાવવામાં આવેલા LED બોર્ડમાં હોસ્પિટલના તમામ 558 બેડ ભરાઈ ગયા હોવાની માહિતી બતાવવામાં આવી રહી હતી. જ્યારબાદ, રાત્રે 10 વાગ્યાથી ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સની લાઇન લાગી હોવા છતાં એક પણ દર્દીને પ્રવેશ આપવામાં આવ્યો નથી. લાઇનમાં ઉભેલા દર્દીઓએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અહીં કોઈને સરખી રીતે જવાબ આપવામાં આવતો નથી. ઘડીકમાં 2 કલાક પછી વારો આવશે અને હાલ એક પણ બેડ ખાલી નથી એમ જવાબ આપી દેવામાં આવે છે.
LED ડિસ્પ્લે બોર્ડમાં પણ ખરાબી હોવાની શક્યતા
હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, તે અંગેની માહિતી દર્શાવતું એક LED ડિસ્પ્લે બોર્ડ હોસ્પિટલ બહાર લગાવવામાં આવ્યું છે. જેમાં 1 માર્ચના રોજ 550 બેડ હોવાની અને તમામ બેડ ભરાયેલા હોવાની માહિતી આપવામાં આવી હતી. જેના બીજા દિવસે એટલે કે, 2 માર્ચના રોજ અપડેટ કરવામાં આવેલી યાદી પ્રમાણે હોસ્પિટલમાં 558 બેડ હોવાની અને તેમાં એક પણ બેડ ખાલી ન હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આંકડાઓની આ બન્ને અપડેટ વચ્ચે એક પણ દર્દીને સારવાર માટે ખસેડવામાં ન આવ્યા હોવા છતાં આંકડાઓ બદલાઈ જતા LED ડિસ્પ્લે બોર્ડમાં પણ ખરાબી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
દર્દીના પરિવારજનોમાં રોષ
લાઇનમાં ઉભેલા દર્દીના પરિવારજનો તંત્ર અને સરકારની કામગીરી સામે સતત આક્ષેપો કરી રહ્યા છે. લોકો કહે છે કે, "હોસ્પિટલમાં જગ્યા નથી, તો ના કહી દેવી જોઇએ. લોકોને લાઇનમાં શા માટે ઉભા રાખવામાં આવે છે? શનિવારે રાત્રે 10 વાગ્યા પછી હોસ્પિટલમાંથી 50 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તો બેડ કેમ ખાલી થતા નથી? લોકો એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. સ્થિતિ અતિ ગંભીર છે. તેમ છતા અમને પ્રવેશ આપવામાં આવતો નથી."
લાઇનમાં ઉભેલા ખાનગીમાં વાહનમાં દર્દીનું મોત
દર્દીની સ્થિતિ અતિ ગંભીર હોવાથી અને લોકોને એમ્બ્યુલન્સની સુવિધા ન મળતા ખાનગી વાહનોમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે ધનવંતરિ કોવિડ હોસ્પિટલની બહાર રાત્રે 10 વાગ્યાથી લાઇનમાં ઉભેલા દર્દીનું ઓક્સિજનની કમી અને સારવાર ન મળતા લાઇનમાં જ મોત થયું હોવાની માહિતી મળી છે. મૃતક મહિલાના દિકરાએ કહ્યું હતું કે, "તંત્ર દ્વારા કોઇ પણ જાતનો ઉત્તર આપવામાં આવતો નથી. કહેવામાં આવે છે કે, 2થી 3 કલાક જેટલો સમય લાગશે.