અમદાવાદ: શહેરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ LRD મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય કરવામાં આવશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બધાને ન્યાય મળે એ હેતુથી રાજ્ય સરકાર કાયદાકીય પરિપ્રેક્ષ્યોમાં વિવિધ રાજ્યોની હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને સકારાત્મક દિશામાં યોગ્ય નિર્ણય કરવા પ્રયત્નશીલ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગત 4-5 દિવસથી વાટા-ઘાટો કરીને સરકાર આ ભરતીમાં પણ 33 ટકા મહિલા અનામત બાબતે કાયદાકીય ઉકેલ લાવવા રસ્તો કાઢવા વિચારાધીન છે.
કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે કહ્યું કે, અગાઉ પણ કોંગ્રેસે માત્ર રાજકીય લાભ લેવા માટે છલાંગ લગાવે છે, પરંતુ આંદોલન સાથે જોડાયેલા લોકો પણ કોંગ્રેસને ઓળખી ગયા છે. જેથી કોંગ્રેસની મુરાદ ક્યારેય સફળ થવાની નથી. આ અગાઉ 17 હજારથી વધુ યુવાનોની પોલીસ દળમાં ભરતી પારદર્શી રીતે કરી છે અને આમાં પણ સરકાર સારો અને યોગ્ય ઉકેલ લાવશે.