- સરકાર અને અધિકારીઓ સામે લોકોએ ઠાલવ્યો રોષ
- "સારવાર નહીં આપવામાં આવે તો, ગેટ પર જ મરવા માટે મુકી આપીશું"
- અંદર કોઇ પણ ડોક્ટર કે સ્ટાફ હાજર જ નથી અને કોઇ પણ જાતની સુવિધાઓ પણ આપવામાં આવતી નથીઃ દર્દીના પરિવારજનો
અમદાવાદઃ કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારવાર માટે પ્રવેશ આપવાની જાહેરાત કરતા મોટી સંખ્યામાં લોકો બહાર એકઠા થયા હતા. તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રિપોર્ટ દર્દીના જમા કરાવવાના રહેશે અને તેના આધારે ટોકન પણ આપવામાં આવશે. દર્દીની ગંભીરતાને ધ્યાનમાં રાખી બેડની ફાળવણી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Exclusive: સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને નો એન્ટ્રી, એમ્બ્યુલન્સ દર્દીને ફરી ઘરે લઈ જવા મજબૂર
દર્દીના પરિવારના લોકોએ પહેલા ટોકન મેળવી રિપોર્ટ રજૂ કર્યા હતા
દર્દીના પરિવારજનોએ વહેલી સવારે 5 વાગ્યાથી જ લાઇનમાં ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું. દર્દીના પરિવારના લોકોએ પહેલા ટોકન મેળવી રિપોર્ટ રજૂ કર્યા હતા. પરંતુ સવારે સાડા નવ વાગ્યા સુધીમાં માત્ર 30 જેટલા દર્દીઓના જ રિપોર્ટ લેવામાં આવ્યા હતા, તો અન્ય લોકો તડકામાં લાઇનમાં ઉભા રહેવા માટે મક્કમ થયા હતા.
ગંભીર દર્દીઓને રિક્ષામાં કે ખાનગી વાહનમાં લવાયા
તમામ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવશે. જેને લઇને કેટલાક ગંભીર દર્દીઓ પણ સારવાર માટે આવ્યા હતા. પરંતુ તેમણે પણ ટોકનના આધારે જ પ્રવેશ મળશે તેવો ઉત્તર આપતા દર્દીના પરિવારના લોકોમાં રોષ ફેલાયો હતો, તો કેટલાક દર્દીના પરિવારજનોએ તંત્ર અને સરકાર સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે, દર્દી એમ પણ ઘરે મરી જવાનો છે, તેના કરતા હવે ગેટ પર જ મરવા દઇશું.
ભાજપની સરકાર સામે રોષ
દર્દીના પરિવાજનોમાં ભાજપની સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે. સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ કોઇ પણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી. 900 બેડની હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી પણ દર્દીઓને જ લેવામાં આવતા નથી. હોસ્પિટલમાં સ્ટાફ, ડોકટરો અને ઓક્સિજનની પણ અછત છે.