અમદાવાદઃ આત્મનિર્ભર ભારત બને તે માટે ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી હતી. જે ઔદ્યોગિક નીતિને ગુજરાતના વિવિધ ટ્રેડ એસોસિએશનોએ આવકારી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના ઉદ્યોગકારો અને રાજ્ય બહારના ઉદ્યોગકારોને આવકારીને ગુજરાતની વિકાસયાત્રામાં જોડાઈ જવા આહ્વાન કર્યું હતું.
આ પરિસંવાદમાં ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ વરમોરાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે. તેનો 50 ટકા જીડીપી ઉદ્યોગમાંથી આવે છે. નવી નીતિ સારી છે, પ્રોત્સાહક છે, જો તેનો અમલ થશે તો ગુજરાતનો વિકાસ સ્પીડ પકડશે. કોરોનાને કારણે ઉદ્યોગકારોને ફટકો પડ્યો છે. હાલ સરકાર અને ઉદ્યોગો ઝઝૂમી રહ્યાં છે, ભારત સરકારે આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે, અને ગુજરાત સરકારે ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી છે, જે આવકારદાયક છે. પણ સરકાર, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ વચ્ચેનો કોમ્યુનિકેશન ગેપ પુરાશે તો વધુ પ્રગતિ કરી શકાશે.