- રાષ્ટ્રીય એકતા દિવસ અને સાયબર સિક્યોરીટીઝ અવરનેસ
- સાયબર સિક્યોરીટીમાં GTUના યોગદાનને ગુજરાત પોલીસે બિરદાવ્યું
- GTUના યોગદાનને બિરદાવવા માટે પ્રો. દિપક ઉપાધ્યાય અને વિદ્યાર્થીઓનું સન્માન
અમદાવાદઃ શનિવારના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ અને સાયબર સિક્યોરીટીઝ અવરનેસ માસના અંતિમ દિવસે GTUના યોગદાનને બિરદાવવા માટે પ્રો.દિપક ઉપાધ્યાય અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે. GTU નિર્મિત પારદર્શિતા પોર્ટલ અંતર્ગત કોઈ પણ એફઆઈઆરકર્તા તેના કેસની તમામ પ્રકારની માહિતી ઓનલાઈન જાણી શકે છે.
રાજકોટ પોલીસ દ્વારા આ પોર્ટલને પ્રાથમિક ધોરણે શરૂ કર્યું
જેથી કરીને એફઆઈઆરકર્તાને પોલીસ સ્ટેશન ખાતે જવાની જરૂર પડતી નથી. તેઓ ઘરે રહીને પણ તમામ પ્રકારની માહિતી મેળવી શકશે. રાજકોટ પોલિસ દ્વારા આ પોર્ટલને પ્રાથમિક ધોરણે શરૂ પણ કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આજના ટેક્નોલોજીકલ યુગમાં ટેક્નોલોજીના ફાયદાની સાથે-સાથે કેટલાક અસામાજીક તત્વો તેનો ગેરલાભ ઉઠાવીને સાયબર ક્રાઈમ આચરતા હોય છે. આવા અસમાજીક તત્વો સામે પોલીસ સતત ચાંપતી નજર રાખે છે. સાયબર સિક્યોરીટી જેવા ગુનાના નિવારણ માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી પણ રાજ્યના પોલીસ વિભાગને સતત મદદરૂપ થાય છે.
GTU નિર્મિત પારદર્શિતા પોર્ટલ લોન્ચ
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ તાજેતરમાં જ GTU નિર્મિત પારદર્શિતા પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત શનિવારના રોજ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે સાયબર સિક્યોરીટી નિષ્ણાત GTUના પ્રો.દિપક ઉપાધ્યાય તથા જીટીયુના બે વિદ્યાર્થીઓ નરેશકુમાર અને હિતેશકુમારને સન્માનવામાં આવ્યા છે.
GTUના કુલપતિએ શું કીધું!!
GTUના કુલપતિ પ્રો. ડૉ.નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું કે, ટેક્નિકલ યુગમાં સાઈબર ક્રાઈમ એક મોટું દૂષણ છે. જેને રોકવા માટે ઉત્તમ પ્રકારના સાઈબર ટેક્નોક્રેટ્સ તૈયાર કરવા એ GTUની ફરજ છે. GTUના કુલપતિ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે વિદ્યાર્થીઓ અને પ્રો. દિપક ઉપાધ્યાયને અભિનંદન પાઠવ્યા હતા.