- 18 લાખની લાંચ કેસમાં પકડાયેલા ડૉકટરના ઘરેથી વધુ 3 લાખ રોકડ મળી આવી
- ACBએ ડોક્ટર ઉપેન્દ્ર પટેલ અને ડૉ. શૈલેષ પટેલ લાંચ લેતાં ઝડપ્યા
- ડૉક્ટર શૈલેષ પટેલના ઘરેથી વધુ 3 લાખની રોકડ રકમ પણ મળી આવી
અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સમયમાં ડૉકટર, સ્ટાફ મેમ્બરને જમવા, ચા-પાણી અને નાસ્તો પુરો પાડવાનો કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેનું ત્રણથી ચાર માસનું બિલ 1.18 કરોડ રૂપિયા બાકી હતું. જે બિલ પાસ કરાવવા માટે 16 લાખની લાંચની માગણી કરી હતી. જેમાં ફરિયાદી પાસે અગાઉ બે તબક્કે 10 લાખ લઈ લીધા હતા તથા બાકીના 6 લાખ રૂપિયા અને ત્રણ વર્ષનું ટેન્ડરનો સમય વધારવા માટે વધુ 2 લાખ એમ કુલ 8 લાખની માગણી કરવામાં આવી હતી.
એસીબીએ બંને ડોકટર આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી
ફરિયાદી 8 લાખની રકમ લઈને જ્યારે ડૉક્ટર ઉપેન્દ્ર પટેલને આપવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ઓફિસની સામે વેઇટિંગ રૂમમાં જતા હતા, ત્યારે ડૉક્ટરને લાંચ લેતા રંગેહાથ એસીબીએ ઝડપી લીધા હતા. એસીબીએ ડોક્ટર ઉપેન્દ્ર પટેલ અને ડૉ શૈલેષ પટેલને લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. જે બાદ તેમના ઘરે તપાસ કરતાં ડૉક્ટર શૈલેષ પટેલના ઘરેથી વધુ 3 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી. હાલ એસીબીએ બંને ડોકટર આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે અને તેમની સંપત્તિની પણ તપાસ હાથ ધરી છે.