- દર વર્ષે સરેરાશ ટાર્ગેટ કરતા વધુ થાય છે ઉત્પાદન
- 500થી વધુ કારખાનોઓમાં 2થી 2.50 લાખ લોકોને મળી રહે છે રોજાગારી
- મોટા કારખાનાઓમાં ટેકનોલોજી આવતા રોજગારી મેળવાનારા લોકોમાં ઘટાડો
અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલી દાંડીયાત્રાને 91 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી દાંડી યાત્રા યોજવામાં આવી છે. વર્ષ 1947માં ઉદ્યોગ મંત્રાલય દ્વારા સૌથી પહેલા મીઠાને લઈને કામગીરી કરવામાં આવી હતી. આઝાદીના 75 વર્ષ બાદ મીઠાના ઉદ્યોગમાં અને તેની સાથે સંકળાયેલા લોકો માટે સરકાર દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી. વિશ્વમાં મીઠાના ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમાંકે આવે છે. પ્રથમ ક્રમાંકે ચીન અને બીજા ક્રમાંકે અમેરિકા આવે છે. અમેરિકા વર્ષે 294 લાખ ટન મીઠાની નિકાસ કરે છે. જ્યારે, ચીન 168 લાખ ટન અને ભારત 103.48 લાખ ટન મીઠાની નિકાસ કરે છે.
અગરિયાઓ દ્વારા સરકાર પાસે 50 વર્ષ માટે જમીન આપવાની રજૂઆત
ભારતમાં સરેરાશ 6.48 લાખ એકર જમીનમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં પટ્ટાના ભાવે આપવામાં આવેલી જમીન, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન, બંદર હસ્તક આવતી જમીન અને મીઠા વિભાગની જમીનનો સમાવેશ થાય છે. મીઠા વિભાગ અંતર્ગતની 59,865 એકર જમીન પર મીઠાના ઉત્પાદન થકી 92 હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. જોકે, સરકાર દ્વારા મીઠાના ઉત્પાદન માટે અગરિયાઓને 30 વર્ષ સુધી પટ્ટાના ભાવે જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ, વિવિધ સંગઠનો અને અગરિયાઓ દ્વારા સરકાર પાસે 50 વર્ષ માટે જમીન આપવાની રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખાનગી કંપનીઓની દાદાગીરી, અગરીયાઓના ચોથા દિવસે રણમાં પ્રતિક ઉપવાસ
સરકાર દ્વારા મીઠાના ઉદ્યોગકારોને અપાતી સહાય
મીઠાના ઉદ્યોગકારોને સરકાર દ્વારા સોલાર પેનલ લગાવવા માટે 80 ટકા સબસીડી આપવામાં આવે છે. મીઠું કુલ બે રીતે પકવવામાં આવે છે. પ્રથમ પદ્ધતિમાં દરિયાના પાણીથી મીઠું પકવવામામાં આવે છે. જ્યારે, બીજી પદ્ધતિમાં જમીનમાં બોર કરીને પેટાળમાંથી ખારૂ પાણી બહાર કાઢીને મીઠું પકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ પદ્ધતિ કરતા બીજી પદ્ધતિથી વધારે પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. જેમાં પોટાસનું પ્રમાણ પણ વધારે હોય છે. પેટાળમાંથી ખારુ પાણી કાઢવા માટે અગરિયાઓને ડીઝલ પંપની જરૂર હોય છે. હાલમાં ડીઝલના ભાવમાં ધીમે ધીમે વધારો થતા સરકાર દ્વારા મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓને સોલાર પેનલના માધ્યમથી પંપ ચલાવવામાં માટે અપીલ કરવામાં આવી રહી છે. અને જેમના માટે સરકાર દ્વારા સોલાર પેનલ લગાવવા માટે 80 ટકાની સબસીડી પણ આપવામાં આવે છે.
ભારતમાં મીઠું પકવવામાં ગુજરાત મોખરે!
ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ત્યારબાદ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ગોવા આવે છે. દેશમાં કુલ મીઠાના ઉત્પાદન સામે ગુજરાતમાં જ 81 ટકા મીઠાનું ઉપ્પાદન થાય છે. રાજસ્થાનમાં 8.50 ટકા, તમિલનાડુમાં 8 ટકા ઉત્પાદન થાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળુ મીઠું દેશની મોટી મોટી કંપનીઓ દ્વારા જ પુરૂ પાડવામાં આવે છે. 131 જેટલી સરકાર માન્ય કંપનીઓ દ્વારા સરેરાશ વર્ષનું 147.16 લાખ ટન મીઠું બજારમાં મૂકવામાં આવે છે.
આ પણ વાંચો: વલસાડના ધરાસણાની મીઠાકૂચ પહેલા ગાંધીજીની ધરપકડ થઈ હતી