- પાટીદારો દ્વારા અમદાવાદમાં માઁ ઉમિયાના સૌથી મોટા મંદિરનું થશે નિર્માણ
- મંદિર સાથે પાટીદાર યુવક-યુવતીઓ માટે વિકાસલક્ષી માળખું ઉભું કરાશે
- સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશમાં પણ પાટીદાર અગ્રણી કોમ
અમદાવાદ: શહેરમાં પાટીદારો દ્વારા તેમના કુળદેવી માતા ઉમિયા (Ahmedabad umiya dham)નું વિશ્વનું સૌથી મોટું મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે. આ સાથે જ એસજી હાઈવે ઉપર પાટીદારના જે છાત્રાલય આવેલા છે તે કેમ્પસનું પણ નવીનીકરણ થવા જઈ રહ્યું છે.
વગદાર કોમ પાટીદાર
પાટીદાર તે ન ફક્ત ગુજરાત - ભારત અપિતુ વિશ્વમાં પણ વગદાર કોમ કહેવાય છે. સામાન્ય નોકરીથી લઈને મોટા બિઝનેસ, નેતૃત્વ, ગ્લોબલ લીડર, રમત, વિજ્ઞાન દરેક ક્ષેત્રમાં પાટીદાર પહોંચી ચૂક્યો છે. પહેલેથી જ રાજકારણમાં અગ્રણી રહેલ પાટીદારોએ ગુજરાતમાં પાવર બતાવીને રૂપાણી સરકારને ઘરભેગી કરી નાખી હતી. હવે વર્તમાન મુખ્યપ્રધાન પણ પાટીદાર જ છે. આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ પાટીદાર જ મુખ્ય પ્રધાન બને તેવો ઇશારો કરતાં પૂર્વ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પાટીદારોને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવવા કહ્યું હતું.
પાટીદાર યુવકોને સક્ષમ બનાવવાનું મિશન
પાટીદાર અગ્રણી નરેશ પટેલ જેવા નેતાઓએ સરકારમાં કલાર્કથી લઈને મુખ્યપ્રધાન સુધી પાટીદારો હોવા જોઈએ તેવી ટિપ્પણી કરી ચુક્યા છે. પાટીદારોએ તેને પોતાનું મિશન બનાવ્યું લીધું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સરદાર ધામ, ખોડલધામ જેવા સંસ્થાનો અંતર્ગત પાટીદારોએ ભેગા થઈને તેમની આવનારી પેઢીઓને સારી કારકિર્દી આપવાનો સંકલ્પ કરી ચુક્યા છે.
ઉમિયાધામ એ જ વિકાસધામ
વિશ્વ ઉમિયા ધામના સભ્ય અને અગ્રણી એવા વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, ઉમિયાધામ અંતર્ગત ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લો,ટ બેન્ક્વેટ હોલ, ભોજનાલય અને વિશ્રાંતિ ગૃહ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. અમદાવાદમાં 74 હજાર ચોરસ વાર જમીનમાં 1500 કરોડના ખર્ચે ઉમિયાધામ આકાર લેશે. ઉમિયા ધામમાં યુવક અને યુવતીઓ માટે 13 માળની બે અલગ-અલગ હોસ્ટેલ બનાવવામાં આવશે. જેમાં 400 થી વધારે રૂમ હશે અને 1200 થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે. અહીં વિદ્યાર્થીઓને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો કોચીંગ આપવામાં આવશે.
આધુનિકતાનો પર્યાય
52 હજાર સ્કવેર ફીટમાં આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત રસોડું, વિશ્રાંતિ ગૃહ, મેડિકલ સેન્ટર અને 1000 કાર પાર્ક થઇ શકે તેવું બે માળનું બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. 4000 છોકરીઓ માટે બે લેડીઝ હોસ્ટેલનું નિર્માણ કરાશે. બેન્ક્વેટ હોલ પર જરૂરિયાત પ્રમાણે એક નાનો અને મોટો એમ બે પ્રકારના બનાવવામાં આવશે. ગાંધીનગરમાં પણ ઉમિયાધામ છે. એક રૂપિયાના ટોકનથી ઉમિયા ધામમાં છોકરીઓને એક વર્ષ ભણાવવામાં આવશે. આ ઉપરાંત આર્થિક પછાત વર્ગના છોકરા-છોકરીઓને પણ હોસ્ટેલમાં સ્થાન આપવામાં આવશે. દર્શનાર્થીઓ માટે પણ ભોજનાલયની વ્યવસ્થા ઉભી કરાશે.
ગામડાના પાટીદાર માટેનો આ વિચાર
વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, ગામડામાં રહેતા પાટીદારના બાળકો જ્યારે શહેરમાં ભણવા આવે છે, ત્યારે તેમના માટે રહેવાની સગવડ ઉપલબ્ધ હોતી નથી. આથી આ હોસ્ટેલ અને કોચિંગ ક્લાસ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉમિયા માતાના મંદિરના બહારગામથી દર્શન કરવા આવતા લોકો રહી શકે, તે માટે 100 રૂમ પણ બનાવવામાં આવશે. ઉપરાંત મેડિકલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. આ માટેનું નિર્માણ 13 ડિસેમ્બરે શિલાન્યાસના કાર્યક્રમ કે જેમાં ગવર્નર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે, તે બાદ તુરંત શરૂ થઈ જશે.
સંપૂર્ણ પ્રોજેકટ પૂર્ણ થતાં 5 વર્ષ જેટલો સમય લાગશે
વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, આ નિર્માણ કાર્ય માટે ટ્રસ્ટ પાસે પુરતું ફંડ છે. માઁ ઉમિયાના મંદિરોના નિર્માણમાં અઢી વર્ષ જેટલો સમય લાગી શકે છ કારણ કે, તે માટે રાજસ્થાનથી પથ્થરો લાવવામાં આવશે. તેની પર કોતરણી કામ કરવામાં આવશે. મંદિર નિર્માણમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ થશે નહીં. આ ઉપરાંત બે હોસ્ટેલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, મેડિકલ સેન્ટર એમ સંપૂર્ણ કેમ્પસના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે.
સુરતમાં 500 કરોડની હોસ્પિટલ
વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં પાટીદારોની 500 કરોડની હોસ્પિટલ છે જ. ગુજરાતના લગભગ દરેક તાલુકાઓમાં પાટીદારોની એજ્યુકેશન સંસ્થાઓ અને ટ્રસ્ટો કાર્યરત છે. મહેસાણામાં પણ કડી જેવા વિસ્તારોમાં જ પાટીદારોની સંખ્યા વધુ છે ત્યાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. સમાજ સેવા કરતી પાટોદારોની 50 જેટલી સંસ્થાઓ ગુજરાતમાં કાર્યરત છે. અમદાવાદના મુખ્ય રોડ એવા એસજી હાઈવેને અડીને હવે પાટીદારોની ત્રણ મોટી સંસ્થાઓ એક ઉમિયાધામ કેમ્પસ સોલા ખાતે, ઉમિયા મંદિર જાસપુર ખાતે અને સરદાર ધામ વૈષ્ણોદેવી સર્કલ પાસે અડીખમ ઊભા રહેશે.