- સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ભાજપમાં ભડકો
- કર્યકર્તા ટિકિટ મુદ્દે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન
- સક્રિય કાર્યકર્તાને ટિકિટ નહીં મળતા નોંધાવી રહ્યા છે વિરોધ
અમદાવાદઃ શહેરમાં ચૂંટણી માટે ટિકિટને લઈને ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના 6થી વધારે વોર્ડના 100થી વધુ કાર્યકર્તા આજે શુક્રવારે ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. જેમણે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ મામલો વધુ બિચકાતા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ભાજપ કાર્યલય પહોંચ્યા હતા અને કાર્યકરોને સમજાવી મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
કાર્યકર્તાઓએ રાજીનાનું આપવાની ઉચ્ચારી ચીમકી
ખાનપુર વિરોધ કરવા આવેલા કાર્યકર્તાઓ પોતાની માગ પર અડગ રહ્યા હતા. આ સાથે જ કાર્યકર્તાઓએ ટિકિટ નહીં મળવા પર પક્ષમાંથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેથી સમગ્ર મામલાને ધ્યાનમાં રાખી રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ખાનપુર આવી પહોંચ્યા હતા.
ઉમેદવારો પોતાની પસંદગી નહીં થવા પર રજૂઆત કરવા આવ્યા
આ અંગે ETV BHARAT સાથેની વાતચીતમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારો વિરોધ કરવા આવતા નથી. આ તમામ ઉમેદવારો પોતાની પસંદગી નહીં થવા પર આઈ.કે.જાડેજા અને જગદીશ પંચાલ સમક્ષ રજૂઆત કરવા આવે છે. જેમાં પોતાને ટિકિટ નહીં મળવાનું કારણ પૂછવા આવી રહ્યા છે. આ સાથે જ રાજ્ય ગૃહ પ્રધાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 170થી વધારે બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.