ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રોની કામગીરી બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સીએમ ટેસ્ટ બોર્ડ દ્વારા કામની સમીક્ષા કરી હતી. આ કામની સમીક્ષા દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટર મારફતે જાહેરાત કરી હતી કે, અમદાવાદના શાહપુર વિસ્તારથી કાંકરીયા એપરલ પાર્ક સુધીની 6.51 કિલોમીટરની અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ વન પૈકી 6.5 કિલોમીટરની 5.8 વ્યાસની અપડાઉન લાઇનની 2 જોડિયા ટનલ તૈયાર કરવામાં આવી છે. આ ટનલ જમીનની સપાટીથી ભૂગર્ભમાં ખાસ પ્રકારની ઇજનેરી કૌશલ્ય ધરાવતી ટનલ ભારતીય ઇજનેરોએ અને કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ટનલ બનાવવામાં ભારતીય કંપની દ્વારા ખાસ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ગુજરાત માટે ઇજનેરી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ સમાન હોવાનું પણ રાજ્યના મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
અમદાવાદ શહેરના ગીચ વિસ્તારમાં આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે, તે બદલ ઇજનેરોને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અભિનંદન આપતા કહ્યું હતું કે, આ ટનલની સરેરાશ ઊંડાઈ જમીનની સપાટીથી નીચે છે અને આ કામમાં 3.3 લાખ ઘનમીટર માટી, 52,300 ઘન મીટર કોંક્રિટ, આશરે 2 લાખ મનુષ્ય દિવસ અને 4 હજાર કોંક્રિટ રીંગ સહાયક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી 40 કિલોમીટરની અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ વન પૈકી 6.5 કિલોમીટરની આ વિશિષ્ટ પ્રકારની ટનલ તૈયાર કરવા આધુનિક 4 ટનલ બોરિંગ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટનલનું કામ ઝડપી પૂર્ણ કરવા કોરોનાના કારણે પોતાના વતનમાં ગયેલા વિશેષ કૌશલ્ય ધરાવતા ઓડિશાના કારીગરોને હવાઈ માર્ગે પરત લાવીને તેમની મદદથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.