- SG હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી પકડેલા રેમડેસીવીર ઈન્જેકશન મામલો
- સુરતથી બે MBBS ડોક્ટરો સાથે રુહી નામની મહિલાની ધરપકડ કરી
- 9 હજારમાં ખરીદી, 12 હજારમાં વેંચતા હતા
અમદાવાદઃ શહેરના SG હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી DCP ઝોન 1 સ્ક્વોડની ટીમે જય શાહ નામના આરોપીની 6 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જુહાપુરાની રુહી નામની મહિલા અને સુરતના ડોક્ટર મિલન પાસેથી ઇન્જેક્શન ખરીદ્યા હોવાનું બહાર આવતા, સોલા પોલીસે સુરતથી ડોક્ટર મિલન સુતરિયા અને ડોકટર કીર્તિ દવે સહિત જુહાપુરામાં રહેતી રુહીની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ ડીસામાંથી રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા
ડોકટર કીર્તિએ 8,500માં ખરીદી મિલનને 9,000 ભાવે આપ્યા હતા
આ મામલે સોલા PI જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપી મિલન સુતરિયાની પૂછપરછ કરતા 9,500 રૂપિયામાં સુરતના જ ડોક્ટર કીર્તિ પાસેથી ખરીદી, જય શાહને 12,000ના ભાવે આપ્યા હતા. ડોકટર કીર્તિએ 8,500 રૂપિયામાં ખરીદી મિલનને 9,000 ભાવે આપ્યા હતા. ડોક્ટર કીર્તિએ આ ઇન્જેક્શન જામનગરથી ખરીદ્યા હતા. જે અંગે તપાસ ચાલુ છે. ઉપરાંત આનંદનગરની તપન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી રુહી પાસેથી જય શાહે 2 ઇન્જેક્શન ખરીદ્યા હતા અને અગાઉ 8 ઇન્જેક્શન 3,300ના ભાવે આપ્યા હતા.
બે ઇન્જેક્શન આરોપીએ તેની માતા શકુંતલા બહેનને આપ્યા હતા
જ્યારે આ ઇંજેક્શન તેણે સુરતના ડોક્ટર મિલન સુતરીયા પાસેથી કાળા બજારમાં વેચવા માટે 9 હજાર લેખે ઇન્જેક્શન 54 હજારમાં મગાવ્યા હતા અને તેનું પેમેન્ટ google pay અને બેંક ટ્રાન્સફરથી ચૂકવવામાં આવ્યું હતું. જે પૈકીના બે ઇન્જેક્શન આરોપીએ તેની માતા શકુંતલા બહેનને આપ્યા હતા અને સુરતના ડોક્ટર મિલન સુતરીયાએ આ ઇન્જેક્શનનો જથ્થો આરોપીને કુરીયર મારફતે મોકલ્યો હતો.
પોલીસ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો
આ મામલે સફેદ બુચવાળા ઇન્જેક્શન આરોપી જયે જુહાપુરા અંબર ટાવર પાસે રહેતી અને હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતી રુહી પાસેથી કાળા બજારમાં વેચવા માટે 16 હજાર રૂપિયામાં લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ તમામ ઇન્જેક્શન, મોબાઇલ ફોન અને એક્ટીવા સહિતનો 75 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચોઃ મોરબી પોલીસે નકલી રેમડેસીવીર વેચતાં 6ની કરી ધરપકડ
પોલીસે કાળા બજારીના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
જ્યારે આ મામલે હજુ પણ મુખ્ય આરોપી પોલીસ પકળથી દૂર છે. ત્યારે આરોપીઓને ઈન્જેકશન કોના દ્વારા અને કોની પાસેથી મળતા હતા, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં પોલીસે આ કાળા બજારીના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.