અમદાવાદઃ વિશ્વમાં કોરોના સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. આવા સમયે કોરોના સામેની લડાઈમાં માસ્ક અનિવાર્ય હથિયાર છે, પરંતુ અમુક નફાખોર લોકો દરેક જગ્યાએ માત્ર નફો જોવે છે અને માસ્કની કાળા બજારી કરે છે. ત્યારે રૂપિયા 2 લાખના માસ્ક રૂપિયા 25 લાખમાં વેચવાનું કહી છેતરપિંડી કરનારા સહ-આરોપીના અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે.
ફરિયાદી મનાલી શેઠને ફેબ્રુઆરી મહિનામાં માસ્ક વેચવા મુદ્દે દીપેન પટેલ નામના યુવાનનો ફોન આવ્યો હતો અને તેના આધારે તેને દીપેનને 25 લાખ ચૂકવ્યા હતા, પરંતુ આજ દિવસ સુધી માસ્કનો પુરવઠો ન મળતા માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી તરૂણસિંહ વાઘેલાએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જો કે, કોર્ટે આરોપીના આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આરોપીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમના અસીલનો કેસ સાથે કોઈ સબંધ નથી. મોબાઈલ કે ફોનની લોકેશન પર વિવાદાસ્પદ સ્પોટ પરથી મળી આવી નથી.
આ મુદ્દે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી પર ગંભીર પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તપાસ અધિકારીને રૂપિયા 25 લાખ પૈકી 19.90 લાખ રૂપિયા આરોપી પાસેથી મળી આવ્યા છે. આ કેસમાં વધુ તપાસની જરૂર હોવાથી તેમના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવે. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ આરોપીના આગોતરા જામીન અરજી ફગાવી દીધા હતી.