- 1942 નું હિન્દ છોડો આંદોલન નિહાળનાર બાલુ પટેલ
- ગાંધીજીને ચરખા પર કાંતતા શીખવનાર રામજી બઢીયા
- છેલ્લા શ્વાસ સુધી ચરખો ચલાવનાર તુલસી ડોડીયા
અમદાવાદ : ભારત પોતાની આઝાદીના 75 વર્ષની અમૃત મહોત્સવ ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આઝાદી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર ક્રાંતિવીરોને યાદ કરવા તે આપણા માટે સૌભાગ્યની વાત છે. અમદાવાદમાં રહેતા અને મૂળ ગાંધીનગર માણસાના બાલુ પટેલે હિંદ છોડો આંદોલન જોયુ છે. તેમનો જન્મ 1933 માં થયો હતો. તેઓ અધ્યાપક પણ રહી ચૂક્યા છે.
આઝાદીની લડતમાં 'ત્યાગ' નું અતિ મહત્વ
બાલુ પટેલ ETV Bharatને જણાવે છે કે, 1925 માં મહાત્મા ગાંધી આફ્રિકાથી પરત આવ્યા ત્યારે ભારતની આઝાદીની લડાઈમાં નવા પ્રાણ ફૂંકાયા હતા. યુવાનો જેલ જવું પડે કે ઘર છોડવું પડે, કોઈ પણ ભોગે આ આઝાદી ઇચ્છતા હતા. લોકોની ચાહના દેશભક્તિની હતી તેથી સૌ નીડર થઈને આઝાદી મેળવવા નીકળી પડ્યા હતા. આ દરમિયાન સૌથી સારો શબ્દ હતો 'ત્યાગ' આઝાદીના ગીત તે વખતે લોકમુખે રમતા હતા.
આજનો પ્રખ્યાત શબ્દ બન્યો છે 'સ્વાર્થ'
બાલુ પટેલને આજનું વાતાવરણ રંજ દાયક લાગી રહ્યું છે, ત્યાગની જગ્યાએ સ્વાર્થ શબ્દ આવી ગયો છે, એવું તેઓ માની રહ્યા છે. રાજકારણ અને સામાન્ય જીવનમાં પણ લોકો સ્વાર્થી બની રહ્યા છે. આ ઉપરાંત, તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે, શું આપણે આ દ્રશ્ય જોવા માટે આઝાદી મેળવી હતી ? આ માટે સ્વતંત્રતાના હીરોએ ગોળીઓ અને લાઠીઓ ખાધી હતી ?
આઝાદીની ઉજવણી
દેશ જ્યારે આઝાદ થયો તેને બીજા દિવસે તેમણે સમગ્ર ગામમાં તોરણ લગાવી ઉત્સવો ઊજવ્યા હતા. ગામમાં સેવાદળ અને રાત્રી શાળાની પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી વિદ્યાર્થીઓમાં ઉલ્લાસ અને ઉમંગ જોવા મળ્યો હતો. 35 વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી કરીયાણું લાવી અને રસોઇ બનાવી હતી. સવારે પ્રભાતફેરી નીકળી અને નવ વાગે સમગ્ર ગામની સફાઈ કરી દેવાઈ હતી.
મહાત્માને ન મળવાનો રંજ
બાલુ પટેલ રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુને પણ મળી ચુક્યા છે. જો કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવાથી તેમને શહેરોમાં આવવાનું ઓછું થતું. આથી મહાત્મા ગાંધી અને સરદાર પટેલને ન મળવાનો તેમને રંજ છે.
આખો પરિવાર ગાંધીજીનો અનુયાયી
ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌપ્રથમ ચરખાની પસંદગી થઈ, ત્યારે ચરખાનું મહત્વ આઝાદીની લડતના કાળમાં સમજી શકાય તેમ છે. મહાત્મા ગાંધીએ ચરખાને ગ્રામીણ વિસ્તારોમાંથી કાઢીને સમગ્ર દેશમાં ઘરે-ઘરે પહોંચાડ્યો હતો, ત્યારે મહાત્મા ગાંધીને સૌપ્રથમ ચરખો ચલાવતા શીખવાડનાર ખેડાના વતની રામજી બઢીયા હતા. તેમનો પૂરો પરિવાર આશ્રમ સાથે સંકળાયેલો હતો.
આઝાદીની લડતમાં 'સ્વદેશી' નું મહત્વ
ગાંધીજી આઝાદી મેળવવા લોકોને આર્થિક પગભર કરવા ઇચ્છતા હતા. આથી, તેમને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું. જેમાં વિદેશી કાપડના બહિષ્કારનો સમાવેશ થાય છે. આથી ઘરે જ વણીને કાપડ બનાવી શકાય તેવું આયોજન મહાત્માએ કર્યું હતું. ગાંધીજીએ 1917માં અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી હતી, ત્યારથી રામજી બઢીયા તેમની સાથે રહ્યા અને તેમણે બાપુને ચરખા પર કાંતતા શીખવ્યું.
ગાંધી આશ્રમમાં ચાલતી અનેક પ્રવૃતિઓ
રામજી બઢીયાના પ્રપૌત્ર જનેષ બઢીયાએ ETV Bharatને જણાવ્યું હતું કે, તેમના દાદા, પરદાદા અને પરિવારના અન્ય સદસ્યો ગાંધીજી સાથે સંકળાયેલ હતા. બઢિયા પરિવારના હરખજી બઢિયાએ દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. તુલસી ડોડીયાએ સરદાર પટેલની પુત્રી મણીબેન માટે વીંટીમાંથી પસાર થાય તેવી સાડી બનાવી હતી. આ ઉપરાંત, આ પરિવાર આશ્રમમાં ચાલતી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ જેમકે ગૌ પાલન, વણાટકામ, અસ્પૃશ્યતા નિવારણ વગેરેમાં આગળ પડતો ભાગ ભજવતાં હતા. આજે પણ આ પરિવાર ગૌ પાલન કરી રહ્યો છે.
આશ્રમમાં પ્રથમ વખત કંસાર બન્યો
રામજી બઢિયાના જમાઈ રત્ના બોરીચા હતા. જેઓ યુવાન ઉંમરે બોમ્બેમાં નોકરી કરતા હતા. રામજી બઢિયાની પુત્રીના લગ્ન તેમની સાથે કરવાના હતા. આથી રામજી બઢીયા એ તે વાત મહાત્માને કહી હતી અને ગાંધીજીએ રત્ના બોરીચાને મુંબઈ છોડીને આશ્રમમાં આવીને અહીંયા વણાટ કામ કરવા કહ્યું હતું. રત્ના બોરીચા આશ્રમમાં આવીને વસ્યા અને ગાંધીજીના અગિયાર વ્રતના નિયમોનું પાલન કર્યું. ત્યારબાદ ગાંધીજીએ આ લગ્નની મંજૂરી આપી. જેમાં ગાંધીજી દ્વારા જ ભોજનનો પ્રબંધ કરાયો અને પહેલી વખત આશ્રમમાં મીઠાઈ બની.
તુલસી શાળના શોધક
તુલસી દોડિયા જેમણે તુલસી શાળની શોધ કરી હતી. તેઓ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા હતા. તેમને ગાંધીજીએ ખાદીનો પ્રચાર ઘર-ઘર સુધી કરવાની જવાબદારી સોંપી હતી. ગાંધીજીએ જ્યારે ગુજરાતમાંથી વિદાય લીધી, ત્યારે તેઓ આશ્રમમાં રહીને ખાદી શાળા ચલાવતા હતા. પોતે જ સૂતર કાંતતા અને તેમાંથી બનાવેલા કપડા પહેરતા. જીવનના આખરી શ્વાસ સુધી તેઓ પ્રવૃત્તિમય રહ્યા અને ગાંધી નિયમોનું પાલન કર્યું.