- 2013થી ચાલે છે પરિવારોની કાઉન્સિલિંગની સેવા
- હિંસાથી પીડિત મહિલાને સહાય, માર્ગદર્શન તેમ જ કાઉન્સિલિંગ સુવિધા
- કેસની સંપૂર્ણ માહિતી ગોપનીય રાખવામાં આવે છે
અમદાવાદ: ૭ વર્ષનો આર્ય, અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ખાતે રમતમાં મશગુલ છે. બધાં ચોકઠા એકસાથે જોડવાની જીદ લઇને બેઠો હોય તેવુ લાગી રહ્યું હતું. બહુવાર મથ્યાં પછી એ મનોમન સમાધાન કરી લે છે-જીદ હેઠી મુકે છે. બાજુમાં બેઠેલા તેના માબાપ પણ કંઇક જીદ લઇને આવ્યાં હતાં જે હવે હેઠી મુકાઇ ગઇ છે. બન્ને વચ્ચે સમાધાન થયું છે. આવા અનેક સમાધાન આ સેન્ટરમાં થઈ ચૂક્યાં છે.
- મહિલા બાદ વિકાસ કલ્યાણ વિભાગ દ્વારા કાઉન્સિલિંગ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી પીડિત મહિલાને સહાય, માર્ગદર્શન તેમજ કાઉન્સેલિંગ માટે નિયત કરેલા પોલીસ સ્ટેશન ખાતે P.B.S.C.-પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરની યોજના વર્ષ 2013થી શરૂ કરવામાં આવી છે. દરેક જિલ્લાની જરૂરિયાતના આધારે આ સેન્ટરની સંખ્યા નિયત કરવામાં આવી છે. આ સેન્ટરનો મુખ્ય હેતુ લિંગભેદ, સ્ત્રી ભૃણહત્યા, ઘરેલુ હિંસા, અત્યાચાર અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં પીડિત મહિલાને પોતે નિર્ણય લેવા સમક્ષ બનાવવાનો અને સંસ્થાકીય સહાય કરવાનો છે.
- મહિલાઓનું કાઉન્સિલિંગ કરીને રક્ષણ પૂરું પડાય છે
મહિલા પર થતી ઘરેલુ હિંસા કે અન્ય પ્રકારની હિંસા એક સામાજિક અપરાધ છે. આથી પીડિત મહિલાનું અને તેના પરિવારજનોનું આવશ્યકતા મુજબ કાઉન્સેલિંગ કરીને કાયદાકીય રક્ષણ તથા અન્ય વિકલ્પો પૈકી મહિલાની પોતાની પસંદગી અને નિર્ણય મુજબની કાર્યવાહીમાં મદદ અને માર્ગદર્શન P.B.S.C. પુરુ પાડે છે. મહિલા તરફી અભિગમ રાખી સપોર્ટ સેન્ટર પારિવારિક હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાની જરૂરિયાત અને તેની ઈચ્છાને સમજી પીડિત મહિલામાં આત્મસન્માન, સ્વયોગ્યતા અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે. સપોર્ટ સેન્ટર ઘરેલુ હિંસા અને અન્ય મહિલા અત્યાચારના કિસ્સામાં પોલીસ, દહેજ પ્રતિબંધક અધિકારી અને રક્ષણ અધિકારી તથા અન્ય સરકારી એજન્સી -હિતધારકો સાથે સંકલન સાધી જરૂરી સેવાઓ પૂરી પાડે છે.
- ઓઢવના મહિલાને ફાયદો થતાં અન્ય લોકોને પણ જાણ કરી
ઓઢવમાં રહેતા સુનિતાબેન પહેલા પોતાની દીકરી-જમાઇને લઇ અહીં પ્રથમવાર આવ્યા હતા. દંપતિના કાઉન્સેલિંગ અને તેના પરિણામોથી તેઓ ખુબ ખુશ થયાં. સુનિતાબેને ત્યાર બાદ પોતાના દીકરા-પુત્રવધુ અને પડોશમાં રહેતા એક યુવા દંપતીને પણ અહીં આવવા પ્રેર્યા. પોતાના સગાસંબધીઓ અને રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ કોઇ દંપતી વચ્ચે ખટરાગ-ઝઘડા હોવાનું જાણે તો સુનિતાબહેન તરત તેમને રુબરૂ મળી ઓઢવ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરની મુલાકાત લેવાનું સુચવે છે. આમ ખરા અર્થમાં સુનિતાબહેન ઉક્ત યોજનાના લાભાર્થીથી આગળ વધી પ્રેરણારૂપ બન્યાં છે.
- તાલીમબદ્ધ કાઉન્સેલરની નિમણૂક
આ યોજના હેઠળ નિયત પોલીસ સ્ટેશનમાં નિમણૂક મેળવેલા કાઉન્સેલરને જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. જેથી તેઓ પીડિત મહિલા અને તેણીના પરિવારજનો સાથે યોગ્ય કાર્યપદ્ધતિથી ચર્ચાવિમર્શ કરીને પરસ્પર સમજૂતીથી પારિવારિક સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરે છે, જરૂરિયાત જણાયે પીડિત મહિલાને કાનૂની માર્ગદર્શન પણ પૂરું પાડે છે. પીડિત મહિલાને નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. કેસની સંપૂર્ણ માહિતી ગોપનીય રાખવામાં આવે છે. વિશ્વસનિયતા અને તટસ્થ અભિગમથી કાયદાની મર્યાદા પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સક્ષમ બનાવવામાં આવે છે. સમસ્યાના ઉકેલ માટેના વિકલ્પો જણાવી મહિલા પસંદ કરે તે વિકલ્પ અનુસરવાની સાથે પીડિત મહિલાને ભયમુકત કરી તેના આત્મસન્માન જાળવવામાં મદદ કરવામાં આવે છે. મહિલા તથા તેની સાથે ઝઘડો-હિંસા કરનાર સાથે વ્યક્તિગત તથા ગ્રુપ મિટિંગ કરવામાં આવે છે. અમુક કિસ્સામાં જરૂર જણાયે ઘરની મુલાકાત- હોમ વિઝિટ કરવામાં આવે છે. દરેક કેસનું ફોલોઅપ લેવામાં આવે છે.