- રાજ્યમાં 19 લાખથી વધુ લોકોને દારુ પીવાની આદત
- કેન્દ્રીય પ્રધાન એ. નારાયણસામીએ રાજ્યસભામાં સ્વિકાર્યું હતું
- દારુ શરુ કર્યા બાદ તેના પર નિર્ભરતાનો સરળતાથી અંદાજ આવતો નથી
ન્યૂઝ ડેસ્ક: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં જ 19 લાખથી વધુ લોકોને દારૂ પીવાની આદત હોવાનું કેન્દ્રીય પ્રધાન એ. નારાયણસામીએ રાજ્યસભામાં સ્વિકાર્યું હતું. આ સિવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક સર્વેમાં લોકડાઉન દરમિયાન લોકોમાં વિવિધ ગેરમાન્યતાઓને કારણે દારુનું ચલણ વધ્યું હોવાનું સામે આવ્યું હતું. તો દારૂની વિવિધ અવસ્થાઓ અને તેના લક્ષણો અત્રે રજૂ છે.
મદિરાપાનની અવસ્થાઓ
1. પૂર્વ અવસ્થા : આ અવસ્થામાં વ્યક્તિ પહેલા સામાજિક પ્રસંગોપાત જ ખાસ સમયે મદ્યપાન કરે છે. શરાબ પીવાના પરિણામે તે પોતાનો તણાવ, ડર અને ચિંતા થોડા સમય માટે ભૂલી જાય છે. તેને કાલ્પનિક આનંદ મળે છે. શરૂઆતમાં તે મદ્યપાન તણાવ ઓછો કરવા માટે ક્યારેક ક્યારેક કરે છે, પરંતુ ધીમે ધીમે તણાવની સહનશકિત એટલી ઓછી થઈ જાય છે કે, નાની નાની બાબતોમાં તેને શરાબનું સેવન કરવું પડે છે. પરિણામે જ્યાં વ્યક્તિ ક્યારેક જ પીતો હતો. ત્યાં હવે તે સતત અને દરરોજ પીવા લાગે છે.
2. પ્રારંભિક અવસ્થા : આ અવસ્થામાં પીનારી વ્યક્તિના વર્તનમાં કેટલીક અસાધારણ બાબતો જોવા મળે છે. શરાબની માત્રા વધારી દેવી, સ્મૃતિ ભાસ, છુપાઈને પીવું, ઝડપથી પી જવું, જાહેરમાં ન પીવું અને વ્યક્તિ દોષનો ભાવ અનુભવે છે.
3. સંકટ સમયની અવસ્થા : આ અવસ્થામાં વ્યક્તિનું મદિરાપાન પરથી નિયંત્રણ ચાલ્યું જાય છે. તે શરાબ પીવાનું શરૂ કરે છે તો બેભાન જેવી હાલત ન થાય ત્યાં સુધી પીવે છે. સામાજિક નિયમો, સમય તથા પરિસ્થિતિનો કોઈ ખ્યાલ રહેતો નથી. પરિણામે ક્યારેક તેને પોતાના વ્યવસાય અથવા નોકરીથી વંચિત રહેવું પડે છે. તે પોતાની શરાબ પીવાની ટેવને યુક્તિપૂર્વક દલીલો દ્વારા છુપાવવાના પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં આક્રમક વર્તન, અવિવેક, વિરોધ, સતત પછતાવો અને આત્મ ગ્લાનિ વ્યક્તિ અનુભવે છે.
4. લાંબાગાળાની અવસ્થા : અહીં દિવસની શરૂઆત જ દારૂ પીવાથી થાય છે. વ્યસનીઓ દારૂને જ પોતાની જિંદગીનો એક ભાગ માની લે છે. તે દારૂ પીવા માટે ઘરની વસ્તુઓ, ઘરેણાં, કપડાં બધું છુપાવીને વેચી દે છે અને તે રકમનો દારૂ પી જતો હોય છે. તેની આર્થિક, સામાજિક અને માનસિક સ્થિતિ બગડતી જાય છે તે પાયમાલ થઈ જાય છે.
વ્યક્તિ જ્યારે દારૂ આધારિત થાય ત્યારે તેના લક્ષણો
1. વ્યક્તિમાં સહનશીલતા વિકસિત થઈ ગઈ હોય છે. તેને હવે થોડી માત્રાની અસર થતી નથી માટે તે આલ્કોહોલની માત્રા વધારે છે.
2. આલ્કોહોલ લેવાનું બંધ કરવાથી વ્યક્તિમાં પીછેહઠ ના લક્ષણ વિકસિત થઇ જાય છે. આ પીછેહટ ને દૂર કરવા માટે વ્યક્તિ અવેજી રૂપ બાબતો શરૂ કરી દે છે.
3. વ્યક્તિ એ સ્વીકારે છે કે વધારે માત્રાના પોતે શરાબ પીવે છે.
4. તેની દિનચર્યા શરાબ શરાબ ને શરાબ જ હોય છે.
5. આલ્કોહોલના સેવનથી ઘણી ક્રિયાઓ જેમ કે મનોરંજન કરવું, સમજિક્કૃત થવું વગેરે બાબતમાં ખામી જોવા મળે છે.