- અમદાવાદમાં રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી સામે આવી
- અમદાવાદમાં આવતા તમામ લોકોનો RTPCR રિપોર્ટ ચેક કરવા આદેશ
- માત્ર ગણ્યા ગાંઠ્યા જ પેસેન્જરોના RTPCR ટેસ્ટ રેલવે સ્ટેશન પર જોવામાં આવ્યા
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ઘણી ભયાવહ સાબિત થઈ રહી છે. છેલ્લા 2 મહિનાથી પરિસ્થિતિ બેકાબુ બની છે. એક તરફ, લોકો હોસ્પિટલમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે, કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવા માટે 6-7 કલાક એબ્યુલન્સમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન ,ઈન્જેકશન અને દવાઓની અછત પણ સર્જાઈ રહી છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મીની લોકડાઉન તો જાહેર કર્યું છે સાથે રાત્રી કરફ્યુ પણ લાદયો છે. જેથી, કોરોનાની ચેઇન તૂટે પરંતુ, એક-બે નાની બેદરકારી સર્જાય તો બધું કરેલું ધોવાઈ જશે.
આ પણ વાંચો: હાઇકોર્ટ: રાજ્ય બહારથી આવતા લોકો માટે 72 કલાકનો RTPCR ટેસ્ટ ફરજિયાત
RTPCR રિપોર્ટ ફરજિયાત ચેક કરવા આદેશ
હાઇકોર્ટમાં કોર્પોરેશનને ટકોર બાદ AMC એ એક નવો નિર્ણય લીધો હતો. જેમાં, અમદાવાદમાં આવતા તમામ લોકોનો RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે. પરંતુ, ETV bharatની ટીમે રેલવે સ્ટેશન પર કરેલા રિયાલિટી ચેકમાં AMCનો નિર્ણય માત્ર કાગળ પર જ હોય તેવી બાબત સામે આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર હાવડાથી આવેલી ટ્રેનમાં મોટાભાગના પ્રવાસીઓ પાસે કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન હતો. અગાઉ રાજ્ય સરકારે પણ રાજ્યમાં આવતા લોકો જોડે RTPCR રિપોર્ટ ફરજિયાત ચેક કરવા આદેશ આપ્યા હતા. જેથી લોકોએ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ માટે લાંબી લાઈન લગાવી હતી. જેમાં, 250 જેટલા લોકો ટેસ્ટ કરાવવા માટે ઉભા હતા. બાજી બાજં, બાકીના પ્રવાસીઓ જોડે રિપોર્ટ છે કે નહીં તે પૂછવામાં આવતું ન હતું.
રિપોર્ટ બતાવ્યા વગર 300થી વધારે પ્રવાસીઓ સ્ટેશનની બહાર નીકળી ગયા
AMC અને રેલવેનો સ્ટાફ આ બાબતે વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો. રેલવેનો સ્ટાફ માત્ર પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરતો હતો અને કોર્પોરેશનનો સ્ટાફ લાઈનમાં ઉભેલા લોકોનું ટેસ્ટિંગ તપાસતા હતા. આ 250 જેટલા લોકોની લાઈન જોઈને કોર્પોરેશનના સ્ટાફના મેમ્બરે કહ્યું કે, બીજા ગેટ પર જાઓ ત્યાં લાઈન ઓછી છે અને તમારું ટેસ્ટિંગ ત્યાં થશે. જેથી લોકોનું ટોળું બીજા ગેટ તરફ વળ્યું હતું. પરંતુ, તેની વચ્ચે રેલવે સ્ટેશનની બહાર જવાનો એક ગેટ ખુલ્લો હોવાથી લોકો ત્યાંથી જ બહાર નીકળી ગયા હતા. આ બાબતે, સ્ટાફના સંકલનનો અભાવ કહો કે અપૂરતો સ્ટાફ, તેઓના કારણે 300થી વધારે પ્રવાસીઓ રેલવેસ્ટેશનની બહાર નીકળી ગયા હતા. આ સિવાય આ જોઈને ટેસ્ટિંગની લાઈનમાં ઉભેલા લોકોએ પણ ચાલતી પકડીને ત્યાંથી છટકી ગયા હતા. અમદાવાદમાં, છેલ્લા 5 દિવસથી કેટલાક રાહતના સમાચાર પણ આવી રહ્યા છે. જેમાં, હવે રીકવરી રેટ વધી રહ્યો છે અને લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે. હવે તેવામાં રેલવે સ્ટેશન પરની આવી બેદરકારીને કારણે શહેરમાં ફરીથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે.
આ પણ વાંચો: કોરોનાગ્રસ્ત દંપતીને અમદાવાદની હોસ્પિટલમાં બેડ માટે થયો કડવો અનુભવ
રિપોર્ટનું કોઈ પૂછતું જ નથી તો હવે હું બહાર જાવ છું: પ્રવાસી
ગ્વાલિયરથી અમદાવાદ આવેલા કિરણભાઈએ કહ્યુ હતું કે, હું અમદાવાદ માં રહું છું અને ગ્વાલિયરથી ફેમીલી સાથે આવ્યો છું. મને ખબર હતી કે ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત છે પણ અમે નહી કરાવ્યો. અમને કોઈ રેલવે સ્ટાફ કે કોઈ અન્ય લોકોએ રોક્યા પણ નથી. તેઓ એ રોક્યા હોત તો રિપોર્ટ કરાવી લેત પણ હવે કોઈ પૂછતું જ નથી તો હવે હું બહાર જાવ છું.