ચંદીગઢ: અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 116 ભારતીયોને લઈને US એરફોર્સનું વિમાન શનિવારે રાત્રે અમૃતસર પહોંચ્યું હતું. દેશનિકાલ કરાયેલા લોકોમાં સામેલ દલજીત સિંહે રવિવારે દાવો કર્યો હતો કે મુસાફરી દરમિયાન તેને હાથકડી પહેરાવવામાં આવી હતી અને તેના પગે સાંકળો બાંધવામાં આવી હતી. દલજીતે હોશિયારપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમારા પગમાં સાંકળો અને હાથમાં હાથકડી હતી.' દલજીત સિંહ પંજાબના હોશિયારપુર જિલ્લાના કુરાલા કલાન ગામનો વતની છે.
'ડાયરેક્ટ ફ્લાઈટનો વાયદો કરીને ડંકી રૂટથી મોકલ્યા'
દલજીતે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, તેમને 'ડંકી' રૂટથી અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. સિંહની પત્ની કમલપ્રીત કૌરે આરોપ લગાવ્યો છે કે તેમના પતિને 'ટ્રાવેલ એજન્ટ' દ્વારા છેતરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 'ટ્રાવેલ એજન્ટ'એ દલજીતને ડાયરેક્ટ ફ્લાઈટમાં અમેરિકા લઈ જવાનો વાયદો કર્યો હતો, પરંતુ તેના બદલે તેને ગેરકાયદે લઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે ‘ડંકી’ રૂટ એ ગેરકાયદેસર માર્ગ છે જેનો ઉપયોગ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માટે કરે છે.
યુએસથી પરત ફરેલા દલજીત સિંહની પત્ની કમલપ્રીતે કહ્યું કે, "ગામના એક વ્યક્તિએ સિંહની ટ્રિપ માટે ટ્રાવેલ એજન્ટની વ્યવસ્થા કરી હતી. એજન્ટે તેને કાયદાકીય રીતે યુએસ લઈ જવાની ખાતરી આપી હતી. પરંતુ બાદમાં જ્યારે તેને ઘણી જગ્યાએ લઈ જવામાં આવ્યો ત્યારે તેને ટ્રિપની કાયદેસરતા અંગે શંકા થઈ હતી."
અમેરિકાથી 116 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઇને જતું વિમાન શનિવારે મોડી રાત્રે અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, વિમાન રાત્રે 10 વાગ્યાના અપેક્ષિત સમયને બદલે 11.35 વાગ્યે એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહીના ભાગરૂપે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્ર દ્વારા 5 ફેબ્રુઆરી પછી દેશનિકાલ કરાયેલા ભારતીયોની આ બીજી બેચ છે.
અમેરિકાથી વધુ 157 ભારતીયો ડિપોર્ટ થશે, આ વખતે વિમાનમાં કેટલા ગુજરાતીઓ પાછા ફરશે?
આ પૈકી પંજાબના લોકોને ઈમિગ્રેશન અને બેકગ્રાઉન્ડ ચેક કર્યા બાદ રવિવારે સવારે લગભગ 4.30 વાગ્યે પોલીસ વાહનોમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા. ગેરકાયદેસર વસાહતીઓની પ્રથમ બેચને 5 ફેબ્રુઆરીએ દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આમાંથી ઘણા લોકોએ કહ્યું હતું કે, તેઓ તેમના પરિવારના સારા જીવન માટે અમેરિકા જવા માંગતા હતા પરંતુ તેમના એજન્ટોએ તેમની સાથે છેતરપિંડી કરી છે. જો કે, તેમના સપના ત્યારે ચકનાચૂર થઈ ગયા જ્યારે તેઓ યુએસ બોર્ડર પર પકડાયા અને હાથકડીમાં પાછા મોકલાયા.
ડિપોર્ટ થયેલા ભારતીયોની બીજી બેચમાં 8 ગુજરાતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા બેચમાં દેશનિકાલ કરાયેલા લોકોમાં પંજાબના 65, હરિયાણાના 33, ગુજરાતના આઠ, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના એક-એક લોકોનો સમાવેશ થાય છે. દેશનિકાલ કરાયેલા મોટાભાગના લોકો 18 થી 30 વર્ષની વય જૂથના છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 157 દેશનિકાલોને લઈને ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરીએ ભારત પહોંચે તેવી શક્યતા છે.