- સૌથી વધુ એક્ટિવ કેસ અને મોત અમદાવાદમાં નોંધાયા
- સૌથી ઓછા 3 એક્ટિવ કેસ પોરબંદરમાં
- ડાંગ અને નર્મદા જિલ્લામાં અત્યાર સુધી માત્ર 1-1 દર્દીના મોત
ન્યૂઝડેસ્ક : રાજ્યમાં ગત વર્ષે કોરોનાની શરૂઆત થઈ ત્યારથી 1 એપ્રિલ 2021 સુધીમાં 1 કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે, 2,92,425 દર્દીઓ કોરોના સામેની જંગ જીત્યા છે અને 4,525 દર્દીઓનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. રાજ્યભરની કોવિડ હોસ્પિટલોમાં હાલ 12,996 દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સૌથી વધુ મોત અને એક્ટિવ કેસ અમદાવાદમાં
ગુજરાતમાં અમદાવાદ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલો જીલ્લો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 29,69,254 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી હાલમાં 2,141 દર્દીઓ હાલમાં જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે. જ્યારે, 2,359 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા છે.
3,818 એક્ટિવ કેસ સાથે સુરત રાજ્યમાં બીજા ક્રમાંકે
કોરોનાની બીજી લહેરમાં સુરત સૌથી વધુ અસરગ્રસ્ત થનારો જીલ્લો બન્યો છે. સુરતમાં હાલ 3,818 એક્ટિવ કેસ હોવાનું સત્તાવાર આંકડાઓ જણાવી રહ્યા છે. અત્યાર સુધી સુરતમાં કુલ 27,35,921 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 60,968 દર્દીઓ રિકવર પણ થઈ ચૂક્યાં છે.
પોરબંદરમાં સૌથી ઓછા એક્ટિવ કેસ
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી 1,20,096 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે, 750થી વધુ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં સૌથી ઓછા માત્ર 3 દર્દીઓ હાલમાં સારવાર મેળવી રહ્યા હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે અને 4 દર્દીઓના મોત નિપજ્યા છે.
ગાંધીનગરમાં 2,034 લોકો ક્વોરન્ટાઈન હેઠળ
ગાંધીનગરમાં અત્યાર સુધીમાં કુલ 3,66,144 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાટનગરમાં અત્યાર સુધીમાં 9,143 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે હાલમાં 369 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે.
જૂનાગઢમાં 4 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા
ગત માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 4 હજારથી વધારે લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે 45 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા છે. પાછલા ત્રણ મહિના ની વાત કરીએ તો સરેરાશ પ્રત્યેક દિવસે સાત જેટલા કેસ કોરોના સંક્રમણ ના આવી રહ્યા છે સમગ્ર કેસ ની સરાસરી કરીએ તો પ્રત્યેક મહિને 210 જેટલા વ્યક્તિઓ કોરોના સંક્રમણ નો ભોગ બની રહ્યા છે.
રાજકોટમાં 207 દર્દીઓએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો
સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ રાજકોટમાં અત્યાર સુધી 8,92,190 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 1,204 દર્દીઓ હાલમાં સારવાર મેળવી રહ્યા છે. જ્યારે, 25,711 દર્દીઓ રિકવર થઈ ચૂક્યાં છે. જ્યારે 207 દર્દીઓ કોરોના સામેની જંગમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે.
વડોદરામાં અત્યાર સુધીમાં 8,85,422 ટેસ્ટ કરાયા
વડોદરામાં અત્યાર સુધી કુલ 8,85,422 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલમાં 1,863 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે, 32,662 દર્દીઓ સાજા થઈ ચૂક્યાં છે અને 249 દર્દીઓના મોત નિપજી ચૂક્યાં છે.
જામનગરમાં 4.48 લાખથી વધુ લોકોના ટેસ્ટ કરાયા
જામનગર શહેરમાં અત્યાર સુધી 2,47,907 અને જિલ્લામાં 2,00,500 મળીને કુલ 4,48,407 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલમાં માત્ર 280 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે, 11,146 દર્દીઓ સાજા થઈ ચૂક્યાં છે અને 36 દર્દીઓના મોત નિપજી ચૂક્યાં હોવાની માહિતી સરકારી ચોપડે નોંધાઈ છે.
આણંદમાં અત્યાર સુધી 3,088 લોકો કોરોના સંક્રમિત થયા
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 2,41,758 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 2,38,670 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 3,088 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોતના આંકડાઓની વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર 17 દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજ્યા હોવાની માહિતી સરકારી ચોપડે નોંધાઈ છે. હાલમાં એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો 119 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. જે પૈકી 117 દર્દીઓની પરિસ્થિતિ કાબૂમાં હોવાનું તેમજ 2 દર્દીઓ ઓક્સિજન પર હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગરમાં અત્યાર સુધી કોરોનાના 6,971 પોઝિટિવ કેસો નોંધાયા
ભાવનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 6,971 પોઝિટિવ કેસો નોંધાયા છે. જે પૈકી 394 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સત્તાવાર રીતે માત્ર 71 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાની માહિતી નોંધાઈ છે. 1 એપ્રિલના રોજ કુલ 25 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં માત્ર 13 એક્ટિવ કેસ
ડાંગ જિલ્લામાં આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 38,252 લોકોના સેમ્પલ લીધા છે. જે પૈકી 38,002 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસોનો આંકડો 191 નોંધાયો છે. હાલમાં ડાંગ જિલ્લામાં માત્ર 13 એક્ટિવ કેસો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 1 એપ્રિલના રોજ 176 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.
કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 5,043 પોઝિટિવ કેસ
કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5,043 કોરોના પોઝિટવ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જે પૈકી હાલમાં 191 કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 4,740 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જ્યારે સરકારી ચોપડે 1 એપ્રિલ સુધીમાં કુલ 81 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું નોંધાયું છે.