- સૌથી વધારે 1500 જેટલી પ્રજાતિઓ ધરાવતી ગરોળી છે 'ગેકો'
- વિશ્વભરમાં હૂંફાળા વાતાવરણ ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળે છે
- અલગ અલગ પ્રજાતિઓ પોતાના વિશેષ અવાજ માટે જાણીતી છે
ન્યૂઝ ડેસ્ક: દેશભરના દરિયાકાંઠાઓ પર હાલ 'તૌકતે' વાવાઝોડાને લઈને ચેતવણી આપવામાં આવી છે. વર્ષ 2021માં ભારતના દરિયાકાંઠાને અસર કરનારા આ પ્રથમ વાવાઝોડાને 'તૌકતે' નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે. આ નામ એક વિશેષ પ્રકારની ગરોળી ગેકો (Gecko) પરથી આપવામાં આવ્યું છે. જે પોતાના અવાજ અને અંધારામાં જોઈ શકવાની ક્ષમતાને લઈને જાણીતી છે.
IMD દ્વારા જાહેર કરાયેલા 169 નામો પૈકીનું એક
'તૌકતે' એક બર્મીસ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ વધુ અવાજ કરતી ગરોળી થાય છે. અંગ્રેજીમાં આ ગરોળીને ગેકો કહેવાય છે. જે ઈન્ડોનેશિયાની મલાય ભાષાના શબ્દ 'ગેકોક' પરથી લેવામાં આવ્યો છે. IMD (India meteorological department) દ્વારા ગત વર્ષે વાવાઝોડાના સંભવિત નામો માટે 169 નામ ધરાવતી એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આ નામ ચોથા નંબર પર હતું. વાવાઝોડાને આ નામ આપવાનું સૂચન મ્યાનમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં ગેકોની 1500થી વધુ પ્રજાતિ, તમામ પોતાના વિશેષ અવાજ માટે જાણીતી
અવાજમાં વિશેષતાઓ જ ગેકોને ગરોળીની અન્ય પ્રજાતિઓથી જૂદી પાડે છે. વિશ્વભરમાં ગેકોની અંદાજે 1500થી વધુ પ્રજાતિ છે. જે એકબીજા સાથે વાત કરવા માટે અલગ અલગ અવાજ કરે છે. મોટાભાગના ગેકો પક્ષીઓની જેમ કલરવ અથવા તો ક્લિક જેવો અવાજ કાઢે છે. 'ટોકાય' પ્રજાતિની ગેકો પ્રજનન માટે પોતાના ઉંચા અવાજ માટે જાણીતી છે. જ્યારે કેટલીક પ્રજાતિઓ ડર અથવા તો ભયના સમયે સાપની જેમ ફૂંફાડા મારે છે.
આંખ પર પાંપણ નથી હોતી
ગેકો પ્રજાતિની તમામ ગરોળીઓને આંખો પર પાંપણ હોતી નથી. તેમની આંખોના રક્ષણ માટે એક પાતળું પટલ હોય છે. જેને કોર્નિઆ કહેવામાં આવે છે. ગેકો પોતાની આંખોને સાફ કરવા કોર્નિઆને પોતાની જ જીભ વડે ચાટતા હોય છે. ગેકો સ્વબચાવમાં અન્ય ગરોળીઓની જેમ પોતાની પૂંછડી છોડી દેતા હોય છે. જેને ઓટોટોમી (autotomy) કહેવામાં આવે છે.
અંધારામાં મનુષ્યો કરતા 350 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે
ગેકોમાં ખૂબ જ શક્તિશાળી નાઈટ વિઝન હોય છે. તેઓ અંધારામાં માણસો કરતા 350 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે. તેઓ રંગોને પણ માણસો કરતા વધારે સારી અને સ્પષ્ટપણે જોઈ શકે છે. ગેકોની કેટલીક પ્રજાતિઓ અલ્ટ્રા વાયોલેટ લાઈટ્સ અને હીટ સેન્સેટિવ હોય છે. જેના કારણે તેઓ જંગલમાં રાત્રિના સમયે સરળતાથી રહી શકે છે.
વાવાઝોડાના નામકરણ શા માટે ?
વાવાઝોડાનું નામકરણ કરવાની પ્રથા બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અરબી સમુદ્ર અને બંગાળના આખાતને અડીને આવેલા ભારત, બાંગલાદેશ, મ્યાનમાર, માલદેવ, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશો એકસાથે ભેગા થઈને સંભવિત વાવાઝોડાનું નામકરણ કરતા હોય છે. નામ આપવા પાછળનું કારણ માત્ર લોકોને વાવાઝોડાના સમયમાં મદદ મળી રહે તેમજ ચેતવણી અને માહિતી યાદ રાખવા માટે સરળ પડે તે જ છે. વર્ષ કે અક્ષાંશ-રેખાંશના આધારે વાવાઝોડાને યાદ રાખવું મુશ્કેલ અને કઠિન હોય છે. ત્યારે આવા સરળ અને તુરંત યાદ રહી જતાં નામો આપીને વાવાઝોડાનો ઇતિહાસ અને વાવાઝોડાની વિનાશકતાને લોકો જાણી અને ઓળખી શકે તેમજ તેની માહિતી સરળતાથી મેળવી શકે તે માટે નામકરણ કરવામાં આવતું હોય છે.