- દિવાળીના સમયે કોરોના સંક્રમણ વધ્યું હતું
- મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ
- કેસની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ હાથ ધરાશે
અમદાવાદ :થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહ વિભાગે ક્રિસમસ અને 31 મી ડિસેમ્બરને લઈને કોરોના ગાઈડલાઇનની SOP બહાર પડી હતી. ત્યારે હવે ઉતરાયણમાં ફરીવાર સંક્રમણના વધે તેની તકેદારી રૂપે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન રદ કરી નાંખ્યું છે.છેલ્લા ઘણા વર્ષોથી દેશ વિદેશના પતંગબાજો ગુજરાતના વિવિધ શહેરોમાં પતંગની મજા માણતા હતા.દેશ વિદેશના પતંગબાજો રાજ્યમાં દર વર્ષે પતંગ ઉત્સવ દરમિયાન પતંગની મજા માણી ગુજરાતની સૌંદર્યતાનો લાભ ઉઠાવતા હતા. આ ઉત્સવ રદ થવાથી પતંગ રસીકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.
મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ
ગુજરાત હાઈકોર્ટે ગુરૂવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકરસંક્રાતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો.
હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે.
હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, તે અંગે સુચના મેળવીને જણાવો. મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. આ કેસની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ હાથ ધરાશે.