અમદાવાદ: શહેરની સિવિલમાં કોરોનાની 1200 બેડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે પણ ડૉક્ટર મૈત્રેય ગજ્જર સેવા આપી રહ્યાં છે. કોરોનાને કારણે લોકો ઘરમાંથી બહાર નીકળતાં ડરે છે, ત્યારે 63 વર્ષીય ડૉ. મૈત્રેય ગજજર બખૂબી રીતે કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે.
અમદાવાદ કોવિડ-19 હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર માટે હાજર ડૉક્ટર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, નર્સ અને અન્ય સ્ટાફને તકલીફ ન પડે તે માટે તેઓ સતત કોવિડ હોસ્પિટલમાં પી.પી.ઈ કીટ પહેરી રાઉન્ડ લેતા હતા. આ દરમિયાન તેઓને કોરોનાનું ઈન્ફેક્શન લાગ્યુ હતું. કોરોનાગ્રસ્ત થતાં તેઓ હોમ કોરન્ટાઈન થયા હતા.
છેલ્લા 18 દિવસ હોમકોરન્ટાઈન થઈ કોરોનામુક્ત થતાં ડ્યુટી પર પરત આવીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં સેવા બજાવી રહ્યાં છે. ડૉ. મૈત્રેય ગજ્જરે કોવિડ-19 હોસ્પિટલ ખાતે લેબોરેટરી, બ્લડ ટ્રાન્સમિશન સેન્ટરની સુવિધા તેમજ દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતાં કોરોના પોઝિટિવ થયેલા ડૉ. મૈત્રય દર્દીઓની પૂરી નિષ્ઠાથી સેવા કરી રહ્યાં છે. તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા છે.
ડૉક્ટર ગજ્જરે જણાવ્યું કે, મને કોરોનાથી ઝડપથી સાજા થવામાં મારી પત્ની અને હોસ્પિટલના પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો છે. કોરન્ટાઈનનો સમય પૂર્ણ થતાંની સાથે જ હું કોવિડ-19 હોસ્પિટલમાં પુનઃ ફરજ બજાવી રહ્યો છું.