અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સૌરાષ્ટ્રમાં ખેડૂતોના ખેતર પર તીડના આક્રમણને પગલે યોગ્ય ચિંતા વ્યક્ત કરી હતી. ખેડૂતોને સહાયકારી એવા યોગ્ય પગલાં લેવા સરકાર અને વહીવટીતંત્રને અપીલ કરી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી લહેરાતા પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોની મુશ્કેલીની સત્વરે નોંધ લીધી હતી. આ ગંભીર પરિસ્થિતી અંગે આજરોજ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને કૃષિપ્રધાન આર.સી. ફળદુને ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી જરૂરી દવાઓનો પુરવઠો, કૃષિ વિભાગના નિષ્ણાતોની ટિમ સહિતની જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે રજૂઆત કરી હતી.
જીતુ વાઘાણીની રજૂઆતને પગલે રાજ્યની સરકારે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને તીડ પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક ધોરણે જરૂરી તમામ પગલાં લેવા માટે સૂચન કર્યું હતું. આ ઉપરાંત જીતુ વાઘાણીએ ઘટના અંગેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી હતી. પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે પરામર્શ કરીને ત્વરિત પગલાં લેવા રજૂઆત કરી હતી. જેથી સ્થાનિક વહીવટી તંત્રએ પણ ખેડૂતોની સમસ્યા ઉકેલવા ત્વરિત તજવીજ હાથ ધરી હતી.