અમદાવાદઃ જયંત પટેલના નામની જાહેરાત થવાની સાથે જ હવે શંકરસિંહ વાઘેલાને તેમની સાથે મળીને ગુજરાતમાં પાર્ટી માટે કામ કરવાનું રહેશે. શંકરસિંહનું પાર્ટીમાં કદ ઘટતાં તેઓ કંઈ નવાજૂની કરવાના મિજાજમાંં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટની પ્રોફાઈલ પરથી NCP નેતા તરીકેની ઓળખ હટાવીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે પોતાને રજૂ કર્યા છે. અગાઉ શંકરસિંહ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોતાને NCPના જનરલ સેક્રેટરી તરીકે રજૂ કરતાં હતાં. તમને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાને ગુજરાતના રાજકારણમાં 4 દાયકાથી વધુનો અનુભવ છે.
શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય સભ્ય હતા. તેમણે ગુજરાતમાં RSSના સ્વયંસેવક તરીકે અને ભાજપમાં સંગઠન વિસ્તારવાનું મોટુ કામ કર્યું હતું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.
2017ની વિધાનસભા ચૂંટણી પહેલા જ તેમણે કોંગ્રેસ સાથે પણ છેડો ફાડીને જનવિકલ્પ પાર્ટી બનાવીને 100 બેઠકો પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે તેમની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જે બાદ 2019ની લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયાં હતાં.