અમદાવાદઃ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે દાવો કર્યો છે કે, ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા 4 વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે. પાછલાં કેટલાક સમયથી ભ્રષ્ટાચાર અને કોરોના વાઈરસ તેમજ ભરતી નિયમોની આંટીઘૂટીના કારણે સરકારી ભરતી ટલ્લે ચડી છે. ત્યારે બેરોજગારીને લઈને યુવાનો છેલ્લાં કેટલાક સમયથી સરકાર વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કરી રહ્યાં છે.
બેરોજગાર યુવાઓ સોશિયલ મીડિયા દ્વારા કેમ્પઈન કરીને તેમજ સામૂહિક રીતે ગાંધીનગર ખાતે સરકારી ભરતીઓને લઈને સરકાર સામે વિરોધ કરી ચૂક્યાં છે. જે લોકો પરીક્ષા આપીને સિલેક્ટ થઇ ગયાં છે, તેમને નિમણૂકપત્ર પણ આપવામાં આવેલ નથી. ત્યારે સરકારની આ જાહેરાતથી યુવાનોને રાહત થવાની સંભાવના છે.
પરંતુ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ સરકારની જાહેરાત ઉપર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકારે જે પ્રમાણે જાહેરાત કરી છે તે પ્રમાણે ભરતી થઈ જાય તો સારું, બાકી 2015થી સરકારી ભરતીઓમાં ગોટાળા થતાં આવ્યાં છે અને જે લોકો સિલેક્ટ થયાં છે, તેમને પણ હજી સુધી નિમણૂકપત્ર આપવામાં આવ્યાં નથી. ત્યારે સરકાર વિદ્યાર્થીઓ સમક્ષ જૂએ તેવી આશા રાખી રહ્યાં છે.