- કોરોના સાથે મ્યુકોરમાયકોસીસ મહામારી
- ગુજરાતમાં 05 હજારથી વધુ કેસ
- અમદાવાદમાં 500 થી વધુ કેસ
અમદાવાદ: કોરોના મહામારીથી હજી પ્રજાને કળ પણ વળી નથી ત્યાં સરકારને મ્યુકરમાયકોસિસને મહામારી જાહેર કરવાની ફરજ પડી છે. આ મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આમ તો આ મહામારી એ જૂની બીમારી છે. પરંતુ હવે તે કોરોનાની આનુષંગિક અને તેના કરતાં પણ ખાતરનાક સિદ્ધ થઈ છે.
વિજય રૂપાણી સરકારની કોરકમિટીનો નિર્ણય
મ્યુકરમાયકોસિસને સરકારે એપિડેમિક 1897 અંતર્ગત મહામારી જાહેર કરી છે. કેન્દ્ર સરકારના સૂચન બાદ ગુજરાત સરકારે પણ તેને મહામારી જાહેર કરી છે. મહામારી જાહેર કરનારા અન્ય ચાર રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને હરિયાણાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીમાં મિટિંગમાં, કોરોના બાદ વકરેલી આ બીમારીને મહામારી જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો : પોસ્ટવિભાગે નિવૃત્તિ અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થતા ત્રણ કલાકમાં પીએફના પૈસા અપાવ્યા
છેલ્લા 15 દિવસમાં મ્યુકરમાયકોસીસના કેસ વધ્યા
છેલ્લા 15 દિવસમાં આ રોગના કેસ વધ્યા છે. તેના નિદાન અને ટ્રીટમેન્ટમાં હવે કોરોનાની જેમ ગાઈડલાઈન પાળવામાં આવશે. સાથે સાથે જ સરકાર દ્વારા પણ આ રોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવશે. શરદી-ખાંસી, નાકમાંથી પાણી નિકળવું, આંખ પર સોજા આવવા, માથું દુખવું, ગાલ પર સોજા વગેરે આ રોગના લક્ષણો છે. તેનું પ્રાથમિક તબક્કે જ નિદાન થવું જરૂરી છે. નહીં તો ફંગસ નાક, જડબા અને મગજ સુધી પહોંચતા માણસનું મૃત્યુ થાય છે.
ભાવ બાંધણી જરૂરી
જેવી રીતે કોરોના કાળમાં વિવિધ ટેસ્ટ અને જરૂરી મેડિકલ સાધનોના બેફામ ભાવ લેવાઈ રહ્યા છે અને દવાઓના પણ બેફામ ભાવ વસુલવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે અસામાજિક તત્વો આ મહામારીમાં પણ બેફામ રૂપિયા વસૂલે તેવી શકયતા છે. માટે જુદા-જુદા ટેસ્ટ અને દવાઓના તેમજ સાધનોના ભાવ બાંધવા જરૂરી છે.