- અમદાવાદના ટ્રેન કોચ્સ આઇસોલેશન વોર્ડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા
- શંકાસ્પદ દર્દીઓ માટે ટ્રેનોના સિત્તેર કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવામાં આવ્યા
- લાખો રૂપિયાનો ખર્ચો કરીને ટ્રેનના ડબ્બામાં આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું
અમદાવાદઃ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વેસ્ટર્ન રેલવે દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરીને ટ્રેનના ડબ્બામાં આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આ કોચમાં કોરોનાના દર્દીઓ આઇસોલેટ થઈ શકે તેવી બધી જરૂરિયાતોને પુરી કરી શકાય તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. પરંતુ આ ટ્રેનને યોગ્ય જાણવણી ના થતા કોઈ પણ દર્દીઓને આ ટ્રેનમાં ડોકટરો દ્વારા રીફર કરવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચોઃ રેલવે આઇસોલેશન કોચ કોઈ કામમાં આવ્યા નહીં !
રેલવે સ્ટેશન ખાતે દૂર 5 નંબરના પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યા
આ કોચ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે દૂર 5 નંબરના પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યા હતા. જ્યાં કોઈ પણ દર્દીઓને પહોંચવામાં જ ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી. તો આ બધી સમસ્યાઓના કારણે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવેના કોચમાં બનાવેલા આઇસોલેશન સેન્ટર અત્યારના સમયમાં ધૂળ ખાઈ રહ્યા છે.
કોચમાં એર કુલરની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી
દરેક કોચમાં દર્દીઓની વ્યવસ્થાઓ માટે ઓક્સિજન પણ છે. ડોક્ટર અને દર્દીને ગરમી ના થાય તે માટે એર કુલરની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પરંતુ રેલવેના કોચ ખુબ જ દૂર હોવાથી અને ગરમીમાં પડ્યા રહેવાના કારણે લોખંડના કોચ ખુબ જ ગરમી પકડી રહ્યા હતા અને આ કોચમાં દર્દીઓ રહી ના શકે તેવા પ્રશ્નોનું પણ સર્જન થવા પામ્યું હતું.
કોચમાં અત્યારસુધીમાં ગણ્યા ગાઠ્યા જ દર્દીઓ આઇસોલેટ થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોચની શરૂઆત કરવામાં આવી, ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા જ દર્દીઓ અહીંયા આઇસોલેટ થયા હતા. તે પણ થોડા દિવસ માટે જ અહીંયા રહ્યા હતા. સરકાર દ્વારા આ પ્રકારના વ્યર્થ ખર્ચાઓ અને જે જગ્યાએ આઇસોલેશન થઇ શકે તેવી જગ્યાઓએ દર્દીઓને જીવના જોખમે ના રાખી શકાય તેવા પ્રશ્નોના કારણે કોઈપણ દર્દી આ રેલવે કોચના આઇસોલેશન સેન્ટરમાં દાખલ થવા માટે રાજી થતા ન હતા.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 250 જેટલા ધમણ-1 વેન્ટિલેટર લોબીમાં ધૂળ ખાતા નજરે પડયા
કોચ બનાવવામાં લાખો રૂપિયાનો કૌભાંડ થયો હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો
આ સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વેસ્ટર્ન રેલવેના અધિકારીઓની મીલીભગતથી આઇસોલેશન સેન્ટરનો ઉપયોગ નથી થઈ રહ્યો. તેને બનાવવામાં લાખો રૂપિયાનો કૌભાંડ થયો હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. જો આઇસોલેશન સેન્ટર હાલ ધૂળ ખાઈ રહ્યું હોય તો ભાડે લેવામાં આવેલા એર કુલર અને બેડની વ્યવસ્થાઓને શા માટે રાખીને ભાડું ચૂકવવામાં આવે છે અને તેમાં કોનો ફાયદો છે, તેમ પણ પ્રજાના મુખે ચર્ચાઓ થઇ રહી છે.