અમદાવાદઃ કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે દેશભરમાં આજે સ્વતંત્ર દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ સ્વતંત્ર દિવસની પોલીસ મુખ્ય મથક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કોરોના વાઈરસના ભયના કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
શાહીબાગ ખાતે આવેલા પોલીસ મુખ્ય મથક ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
દર વર્ષની જેમ પોલીસ કમિશનર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જે બાદ સાદગીપૂર્ણ રીતે પરેડ યોજાઈ હતી અને પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનારને મેડલ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કોરોના વાઈરસના સંક્રમણમાં સારી કામગીરી કરવા બદલ કોર્પોરેશનના અધિકારી, કર્મચારી, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, સામાજિક કાર્યકર્તાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
દર વર્ષે જે પ્રમાણે અલગ અલગ સાંકૃતિક કાર્યક્રમ યોજાય છે. તે આ વર્ષે યોજાયો નહોતો. સાદગીપૂર્ણ રીતે અને સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે સ્વતંત્ર દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.