- ગુજરાતમાં વાર્ષિક કૃષિ આવક 1.40 હજાર કરોડ પહોંચી
- વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું ભૂમિપૂજન કર્યું
- નવા રોડની પણ જાહેરાત કરતાં નીતિન પટેલ
અમદાવાદ- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્મરણ કરતા કહ્યું કે, જો મને પૂછવામાં આવે કે નરેન્દ્રભાઈના ઉત્તમ કાર્યો ગણાવો, તો હું સૌ પ્રથમ નર્મદા યોજનાને મુકું. તેમણે આ અંગેનું કારણ વર્ણવતા કહ્યું કે, નર્મદા યોજના તેમ જ વિવિધ સિંચાઈ યોજનાઓ અને જળસંચય ઝુંબેશના કારણે ગુજરાતમાં જળ-સમસ્યાનો ઉકેલ આવ્યો અને કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં સમૃદ્ધિ આવી, જેનાથી ગુજરાતના ગ્રામ્ય અર્થતંત્રની કાયાપલટ થઈ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 11 વીઘામાં બનશે
નીતિનભાઈએ વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલન મંડળને અભિનંદન પાઠવતા કહ્યું કે, નવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 11 વીઘામાં આકાર પામશે, જેના કારણે ખેડૂતોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. આ સહકારી વ્યવસ્થાના કારણે ખેડૂતોના માલની હરાજી થતાં સારા ભાવ મળે છે, સાચો તોલ થાય છે અને ખેડૂતને તરત જ નાણા મળે છે, જેના પરિણામે ખેડૂત વધુ ખમીરવંતો બન્યો છે.
વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સૌથી જૂની
નાયબ મુખ્યપ્રધાને આ અવસરે તેમના સહકારીક્ષેત્રના સંસ્મરણો તાજા કરતા કહ્યુ કે, હું છેલ્લા 37 વર્ષથી કડી માર્કેટયાર્ડમાં સભ્ય હોવાના કારણે મને ખેતી ખેડૂતની સમસ્યાઓની સારી પેઠે જાણ છે. તેમણે કહ્યું કે, વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાતની સૌથી જૂની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પૈકીની એક છે અને આ સમિતિએ કરેલી પ્રગતિનો મને વિશેષ આનંદ છે.
ટેકાના ભાવમાં વધારાનું ગુજરાત અમલીકરણ કરશે
આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે નવો રોડ મંજૂર કરવાની જાહેરાત કરી હતી. તેમણે ઉપસ્થિત સભાસદોને ગુજરાત સરકારની કૃષિ સંલગ્ન યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્યપ્રધાને ભારત સરકારે કૃષિ પેદાશોના ટેકાના ભાવે ખરીદીમાં કરેલી જાહેરાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાત સરકાર ઝડપથી તેનું અમલીકરણ કરશે.