અમદાવાદઃ મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી (28 ઑગસ્ટ 2020) નિમિત્તે આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણનો સેવાયજ્ઞ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી
- ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી નિમિત્તે વંચિત-જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણ
- ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે આ સેવાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો
- વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાની શૌર્યભૂમિ સુદામડા ખાતે કીટ વિતરણ
- ઝવેરચંદ મેઘાણીએ શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો, ત્યાં પણ કીટનું વિતરણ
- ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે પણ કીટ વિતરણ
- ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોએ કીટ વિતરણ
- કર્મભૂમિ રાણપુર સ્થિત ઐતિહાસિક 'સૌરાષ્ટ્ર' 'ફૂલછાબ' પ્રેસ અને એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે કીટનું વિતરણ
જરૂરિયાતમંદ વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ–વિકલાંગને એક કીટમાં રૂપિયા 2500ની ઉત્તમ ગુણવત્તાની 40 કિલો જેટલી સામગ્રી ઘઉં, ચોખા, તુવેર દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, સાબુ, વોશિંગ પાવડર, બટેટા વગેરે આપવામાં આવે છે.
બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત તે સમયની ઐતિહાસિક તાલુકા શાળા અને હાલની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, જ્યાંથી 1901માં ઝવેરચંદ મેઘાણીએ શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો ત્યં પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં ચોટીલા, બોટાદ, રાણપુર, ધંધુકા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ જેવાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોએ કીટ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે.
-અમદાવાદથી આશિષ પંચાલનો વિશેષ અહેવાલ