- અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીએ કર્યું મતદાન
- રાણીપની ગણનાથ વિદ્યાલયમાં કર્યું મતદાન
- લોકોને મતદાન કરવા અપીલ કરી, ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
અમદાવાદઃ મહાનગરપાલિકામાં 48 વોર્ડની 192 બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. રાજકારણીઓએ વહેલી સવારે જ મતદાન કરવાનું પસંદ કર્યું હતું. ત્યારે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકીએ પોતાના પરિવાર સાથે અમદાવાદના રાણીપ વિસ્તારની ગણનાથ વિદ્યાલયમાં મતદાન કર્યું હતું.
ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છેઃ સાંસદ ડો. કિરીટ સોલંકી
ડૉક્ટર કિરીટ સોલંકી ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી લોકસભાની ચૂંટણી જીતેલા છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જેવું માઈક્રો પ્લાનિંગનું કાર્ય કર્યું છે તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓ થકી સુખાકારી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું ઉત્તમ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ડૉ. કિરીટ સોલંકી પોતે તેના લોકસભા વિસ્તારના અનેક વોર્ડમાં ફર્યા છે. તેઓ પોતે પોતાના વોર્ડના બૂથ પર પેજ કમિટીના અધ્યક્ષ છે. તેમજ તેમણે જણાવ્યું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 175થી વધુ બેઠકો લાવવાનું લક્ષ્યાંક ચૂંટણીમાં પૂર્ણ થશે.
સાંસદે લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી
સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ લોકોને અને ખાસ કરીને યુવાનોને મતદાન કરવાની અપીલ કરી હતી. જોકે, બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર અમદાવાદ શહેરમાં ફક્ત 10 ટકાની આસપાસ વોટિંગ પર્સેંટેજ રહ્યા હતા.